
‘આ ચકલી માટે, આ કાગડા માટે અને આ બિલાડી માટે
એમ કહી કોઈએ મને ખવડાવ્યું નહીં.
લીમડાના ઝાડ પાછળ છુપાયેલો ચંદ્ર પણ
કોઈએ મને બતાવ્યો નહીં.
નિશાળે જતાં મુરબ્બો અને પુરણપોળી મૂકી કોઈએ આપ્યો
નહોતો ટિફિનનું બોક્ષ.
રસ્તા પર દાઝેલા મારા પગને પંપાળવા
ક્યાં હતી કોઈની પણ આંખો પ્રેમથી નીતરતી?
‘લેબર કેમ્પ’ ના એ ગેટ્ટોમાં તોય મારું શરીર કેમ વધતું ગયું
ખરેખર એની ખબર મને આજ લગી પડી નથી!
મશીન સાથે ઝઝૂમતો મારો પોલાદી બાપ
એનું કાગળ જેવું શરીર લઈ લોથપોથ ઘરે પાછો ફરતો.
લાકડાનાં પાટિયાં પર માથું અને કેરોસીનના ડબ્બા પર પગ ટેકવી
એ છાપરા ભણી જોતો, બીડીના દમ ભરતો.
અંધકારની વાસ આવતા જ બાપ ઝટ દઈ ઊઠતો.
અમારી સામે જોયા વિના અને બારણા સામે તાકી બૂમો પાડતો
“ખૂબ ભણો, બીજા બાબાસાહેબ બનો. અમારી જેમ સડતા નહીં.”
ઘાસલેટના દીવાના ઝાંખા અજવાળામાં અમે અભ્યાસ કરવા મચી પડતા.
ધગધગતા સૂરજની છાતી પર પગ મૂકી, ધારાવીની કચરાપટ્ટીમાં –
ગરદન પર ગુણપાટ ઊંચકી, લોખંડનો ભંગાર અને કાચના ટુકડા
એકઠા કરતી મા,
પેટ ભરવા માટે એ સામાન ભંગારના વેપારી અબ્દુલને વેચતી.
અને રસોડાના ચૂલા માટે લાકડાં ઘરે લાવતી.
લાકડાં પેટાવતાં મા અમારા અભ્યાસ પર ધ્યાન રાખતી.
ચૂલામાંથી ધૂમાડો ન નીકળતો હોય તો પણ
એની આંખોમાંથી પાણી વહેતા.
લોટ બાંધીને જ્યારે એ રોટલા ઘડતી ત્યારે એનો ટપટપ અવાજ સાંભળી
અક્ષરો ચોપડીમાંથી બહાર કૂદી પડતા.
એની ઊની સોડમથી અમારાં આંતરડાં જાગૃત થઈ જતાં.
અમારા અભ્યાસ પર ધ્યાન રાખતી બાપની કડક નજર
રોટલાના જેવી જ પોચી અને હુંફાળી થતી.
“ઊભા થાઓ અને જમવા બેસો. સવારે વ્હેલા ઊઠજો.”
બાપ ફરીથી ત્રાડતો.
જર્મન-પીત્તળની બોદી થાળીઓ ફરીથી તગડા બાળકની જેમ ચળકી ઊઠતી
અને અચાનક
‘બાળભારતી’ના પાઠ્યપુસ્તકના પાનાં ફેરવતાં
‘પ્રભુનાં પ્યારાં બાળકો’એ વાક્ય વાંચી હું ચોંકી ઊઠ્યો.
હું ફક્ત હસ્યો. આખ્ખું બચપણ યાદ આવ્યું.
ભૂતકાળ ખોદતાં આવાં ખારાં ઝરણાં ફૂટી નીકળે છે.
આજે હું ઊભો છું મારા સમર્થ હાથોમાં પીંછી લઈને
આ તસોતસ ભીડમાં મારી યાતનાના વિશ્વને રંગવા માટે.
હું ક્યાંય પણ હોઉં
એની સાથે જોડતી મારી નાળને હું કાપી નહીં શકું,
ઝળહળતું ભાવિ મારા સ્વાગત માટે નિશ્ચિત છે.
(અનુ. વિપિન પરીખ)



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ