gaamjungle - Free-verse | RekhtaGujarati

દિવસ આખો

ગામ જાય છે જંગલમાં.

જંગલમાં જતા ગામના હાથ ખાલી નથી હોતા.

ગોફણ, ગેડો તીરકામઠું, ગિલોલ.

ક્યારેક કુહાડો તો વળી ક્યારેક બે બોરની બંદૂક!

ગામમાં આવતા ગામના હાથ પણ ખાલી નથી હોતા.

ભારો, ટોપલો, કોથળો,

સસલું, હરણ, તેતર,

જે હાથ ચડ્યું તે.

ઘઉં-બાજરી-જુવારની સુગંધને બદલે,

હવે ગામને ભાવે છે માંસલ ગંધ.

ચૂલામાં બળે છે જંગલ

હાંડીમાં ચૂલે ચડે છે તેય જંગલ!

ગામ વાતો કરે છે :

હવે જંગલે મૂકી છે માઝા,

લાલ અંગારા જેવી ચમકતી આંખો લઈને,

રોજ રાત પડ્યે આવી જાય છે ગામમાં.

ક્યારેક દાઢ તો ક્યારેક નહોર

ક્યારેક ત્રાડ તો ક્યારેક રાડ

એને નથી રોકી શકતી ગામની વાડ!

કોઈને ગાય તો કોઈની ભેંસ

કોઈનું બકરું તો કોઈનું કૂતરું

કંઈ લાધે તો કોઈનું છોકરું,

રોજ ચાલ્યું જાય છે જંગલમાં

લબડતા પગે, લટકતી જીભે ને ફાટી ગયેલી આંખે!

ગામ વાતો કરે છે :

હવે જંગલે માઝા મૂકી છે :

જંગલ કશુંક કહેવા હોઠ ફફડાવે છે

પણ ગામની બીકે

એનો અવાજ ઊતરી જાય છે ઊંડો,

ઊંડા જંગલના અંધારામાં!

(તરવેણી)

સ્રોત

  • પુસ્તક : ઝાકળમાં ઘર (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2017