gam bahar - Free-verse | RekhtaGujarati

માનવી જન્મે છે

હોય છે સર્વ ઇન્દ્રિય સરખી.

ક્યાંક કશું નથી હોતું લેબલ અંગ પરે.

જાતિ, કર્મ,

ધર્મ, અધર્મ,

ને દેશ, પરદેશ,

રંગ, ઢંગ,

પણ કુટિલ માનવીઓ સામ્ય નકારી

સભ્યો સ્વીકારી-સ્વયં ઘડેલા

આડેઘડ ઘડ્યા જાતિના મિનારા.

ઊંચા-આ નીચા,

બ્રાહ્મણ-આ શૂદ્ર,

ગોરા-આ કાળા.

પછી રહી શકે ના

ઊંચા નીચાની સાથે,

ગોરા કાળાની સાથે,

બ્રાહ્મણ શૂદ્રની સાથે,

તીવ્રતા ભર્યો ભેદ માનવમન વચ્ચે.

કોઈક પવિત્ર છે.

કોઈકને શબ્દથી દૂર રાખો,

કોઈકનાં પગલાં ભૂંસી નાખો.

કોઈકને સળગાવી દો.

કોઈકનાં કાનમાં સીસું રેડો.

બસ, ચીતર્યા કરો અત્યાચાર.

જીવે તેની પાસે

ઉપડાવો ગંદવાડ-એંઠવાડ.

કરાવો સેવા

ને-એ સુગાળવા માણસ નથી, પશુ છે.

અને કુટિલ માણસોની કરામતે

કેટલાક માણસો ગામ બહાર વસવા ગયા છે.

સ્રોત

  • પુસ્તક : વિસ્ફોટ (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : ચંદુ મહેરિયા
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1984