namabhishek - Free-verse | RekhtaGujarati

નામાભિષેક

namabhishek

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
નામાભિષેક
દિલીપ ઝવેરી

ચીંધવું વસમું છે

કે અહીં આંગળી છેટ

સાંકડી ગલી હતી

ને રોજ સવારે આળસ મરડી

સૌના ઘરમાં કુંવાર કોરી સગડી

વીંટી આગ ઓઢણી

તરહ તરહની સોડમ સજવી દેતી

સામે ગજરો

પડખે બીડી પાન તમાકુ

ખૂણે મટણ ઇસ તરફ પ્યાજ પલીકડ વરણ ફોડણી

બિચમેં ખંભાહેઠ પાટિયું માંડી

ઝિંગા પાપલેટ રાવસ સુરમાઈ

અને તમે ઊભા છો ત્યાં

વેરાયા

ચોખા દાળ બાજરો ઘઉં પલળેલી ઘાસલેટમાં સાકર

વસમું છે કહેવાનું

વસ્તીમાં ખાલી રાશનકાર્ડ બચ્યાં છે.

અરધાં બળ્યાં

ધૂળમાં ખરડ્યાં દાટ્યાં

અને હજી ઝાઝું વસમું લખવાનું

કે નિશાળના ડંકા મિલોની સીટી બુટકી દેરીની ઘંટી કે

લીલી છતથી ઊંડ્યાં કબૂતર જેવી ભૂરી ભૂરી અજાન

સાંભળી કોઈ આવશે નહીં

અને હજી એથી વસમું

કમાન તૂટ્યા પતરે

કોકે ફરી લખેલું ઉતાવળે મેશાળ આંગળે

અજાણ લિપિમાં

બસ્તીનું નામ

વાંચવું વસમું છે લંકામાં

સ્રોત

  • પુસ્તક : ખંડિત કાંડ અને પછી (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014