le ! - Free-verse | RekhtaGujarati

હું ક્યાંક પહોંચવા દોડતી રહી

તો લોકોએ મારી આગળ દોડતા

બધા રસ્તા તોડી નાખ્યા

હવે હું થોડી ધીમી ચાલતી હતી

મારા પગથી પગદંડી કંડારતી

તો લોકોએ મારા પગ કાપી નાખ્યા

હું હથેળીને બળે ને પૂંઠ ઘસડીને

હજુય આગળને આંબવા મથું

તો લોકોએ મારા હાથ કાપી નાખ્યા.

કપાયેલી ગરોળીની પૂંછડીની જેમ છટપટતું

હજુય જીવતું

બાકીનું ધડ લઈ

પેટે ઘસડાતી હું આગળ વધું

તો લોકોએ મારી પીઠમાં છૂરા ભોંક્યા.

હવે હું ઊડું છું

મુક્ત ગગનમાં

એમની નજરમાં વ્યાપ કરતાંય

બહોળો વિસ્તાર છે

મારી પાંખનો

તેં મને દોડતાં રોકી

લે, હું હવે ઊડું છું!

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : નવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019