ગાય
Gaay
હર્ષદ દવે
Harshad Dave

તેત્રીસ કરોડ દેવતાઓનો ભાર વેંઢારતી
વસુકેલી ગાય
શહેરની શેરીઓમાં ગૌચર શોધે
અહીં ક્યાંય ગૌચર કે વીડી નથી
એવી પ્રતીતિ છતાં છાપાં ચાવે
પેટમાં ખૂંપી ન જાય છાપાંની કટારો
એટલે વાગોળે
ખાધું હોય એ કરતાં વધારે.
ચાવતાં શીખી ત્યારથી છાપાં પચાવી જાણે ગાય
એંઠવાડ રસપૂર્વક પી જાય
પેટમાં સંગોપી રાખે પ્લાસ્ટિકની કોથળીઓ
મૃત્યુ સુધી.
ગાયને આજ સુધી કોઈએ દેખાડી જ નથી
ઘાસની લીલોતરી
તો પણ ગાયને સુખ એ વાતનું કે -
ક્યારેય મીણો ચઢતો નથી
આફરો ચઢતો નથી
છતાં નીતરતી આંખે
ભૂખાળવી નજરે
નિમાણી થઈ ચાવતી રહે છાપાં.



સ્રોત
- પુસ્તક : ઊહાપોહ:2 : એપ્રિલ-જૂન 2025 (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : બાબુ સુથાર
- પ્રકાશક : સુરેશ જોષી સ્ટડી સર્કલ, યુ.એસ.એ.