
એક મેરુ જેવા ઊંચા પ્હાડ ઉપરના ટટાર એક ઝાડની
છેક ટોચે તે રાતે એક તારાથી સહેજ જ નીચે
હમણાં જ ફૂટેલી તાજી એક ફૂલની કળીને
મેં મારા મનુષ્યના હાથે જરાક ખેંચી ચૂંટવા
કે તરત વજ્ર ખેંચાયું
ને વજ્રની સાથે જ ખેંચાઈ ઋક્ષ એવી ડૂંખ,
ડૂંખની સાથે જ ખેંચાઈ ખરબચડી ડાળે
ડાળની સાથે જ ખેંચાઈ રહ્યાં મૂળ આલવાલે
ભૂમિને તળિયે જડાયેલાં ગૂંચવાયેલાં માટીમાંનાં મૂળિયાં
ને મૂળસો’તું ઊખડું ઊખડું થઈ રહ્યું આખું તે તોતિંગ વૃક્ષ!
મૂળિયા સાથે ખેંચાઈ આવી થોડીક સૂર્યમાળામાંથી
આપણી આ આખી પૃથ્વીય...
અને આપણો આ માળાના મેર જેવો સૂર્ય
તેય થોડોક આમતેમ... ખલેલ...
પોતેય થોડુંક ચલિત આમતેમ પદ્મનાભની
નાભિથી... આખી બ્રહ્માંડની વેલ...
જે એક રૂવાંડા ઉપર ઉગાડ્યું છે જેમણે આ બ્રહ્માંડ
તેમનું રૂવાડુંય થોડુંક મૂળમાંથી ઊંચકાઈ ગયું ઊંચું
શેષશાયીના નારાલીન શાન્ત તને,
અને જ્યાં બધુંય સુસમાહિત સ્વસ્થ
એવા એમના સ્થિતપ્રજ્ઞ મને
ઉત્કંપ કશાક પક્ષપાતી આકર્ષણે...
તે રાતે એક તારાથી સ્હેજ જ નીચે એક ઊંચા પ્હાડ ઉપરના
ઝાડની ટોચે ફૂટેલી એક તાજી ફૂલની કળીને મારો મનુષ્યનો હાથ
જરાક ચૂંટવા ગયો કે...



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ