etam - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવાઈ જહાજોમાંથી વરસતા

અગનગોળા વચ્ચે,

ભયના ભીષણ ઓથાર નીચે,

એના પ્રાણ જ્યારે તડફડાટ કરતા

અમળાઈ રહ્યા હતા

જ્યારે અર્ધમૂર્છિત હાલતમાં

તેના હોઠ પર ત્રુટક ત્રુટક અક્ષરો

અટવાતા હતા-यदा यदा हि धर्मस्य....

ત્યારે સહસા હીરોશિમામાં

આખા જગતને સંહારના

ભીષણના જડબામાં કચરાતું,

ચવાતું, પીસાતું, મોતપછાડ ખાતું

તેણે જોયુ.

આઘાતમાંથી

બહાર આવે તે પહેલાં

તેને કાને પડ્યું

“થઈ કે મારી ઓળખાણ?”

આશ્ચર્ય મિશ્રિત ભયથી

નકારમાં તેણે માથું ધુણાવ્યું.

“જેને તમે તુચ્છ લેખતા આવ્યા છો

તે અપમાનિત, પદદલિત,

શોષિત એટમ છું હું–

પ્રલયની પીઠ પર

નવસર્જનના ડમરુના

ભીષણ તાલે તાલે

તાંડવ કરતો છું હું તે રુદ્ર–

તે નટરાજ!”

મૃત્યુએ બીડેલી

એની આંખનાં પોપચાં પર

શું અંકિત થતું હતું

તે ઉકેલવા મથ્યા વિના

આગળ વધ્યો કાળ!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 744)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984