et ijh - Free-verse | RekhtaGujarati

બેઠો છું

એટ ઇઝ ઑફિસમાં

બરાબર વચ્ચે

બૉસને કહી દો કે કામની બધી ફાઈલો

છેલ્લા સ્ટેઇજે પહોંચી ગઈ છે

અને કાલપરમ દિવસે અપ ટુ ડેટ

ઘંટડી ઘટ ઘટ પાણી પીએ છે

મિસ્ટર એક્સને ટેલિફોન ધમકાવી રહ્યો છે

મીસ વાયને ઠંડું પાણી ગલ ગલ કરે છે

ઘડિયાળના કાંટાને કોઈએ કાનમાં કહ્યું છેઃ

ઘીરી બાપુડિયા!

ટેબલ પરના કાગળ કચ કચ કરે છે

ટાંકણીઓએ અંગૂઠા પકડ્યા છે

ગુંદરની શીશી ઊંધી પડી આળોટે છે

સામેના ઘરનું બારણું બંધ છે

એનો અમુક ભાગ જોઈ શકાય છે

બાકીના વિશેનું કુતૂહલ ટટળ્યા કરે છે

તડકો હાથે કરીને

વાકુંચૂકું ચાલે છે

પડે છે ઊભો થાય છે

અને ખડખડાટ હસે છે

અડધી બારી ઉઘાડ-બંધ થયા કરે છે

પાણીની માટલી પૂછે છેઃ

મારી દિશા ક્યારે બદલો છો?

અગાઉ ખાઘેલાં બગાસાંઓનું શું કરવું?

એવું વિચારી

અસ્વસ્થ અને માંયકાંગલી

ઑફિસની રજેરજ

ઊંચી નીચી

અને તળે-ઉપર થઈ રહી છે.

એકદા

ગુરુ દ્રોણાચાર્યે

એકલવ્યનો અંગૂઠો માગ્યો હતો

અને એમને મળ્યો.

મને એવો કોઈ ગુરુ મળ્યો હોત

ને કહ્યું હોત

કે અહીં

ઑફિસમાં

બરાબર વચ્ચે

એટ ઇઝ

બેસ

તો સમજ્યા.

તો અમથું

એમ બેઠા.

ખબર પડતી નથી

કે મને કંટાળો કેમ આવતો નથી?

અને એમ ને એમ

કંટાળાનું નામ લઈને

આપણે તો માંડી બેઠા

પોતાને ઉલેચતા હોઈએ એમ

અસહ્ય એવું સ્થૂળ કર્કશ અને તદ્દન ભદ્દું

એક ગીત.

પણ

ગાતાં ગાતાં

અમને ખબરેય ના પડી

ને

અમારો અવાજ

એને આવડ્યું રીતે

ખોતરકામ કરવા લાગ્યો

ધીરે ધીરે

મારી અંદર છુપાયેલું

ગુપચુપ

સ્થિતપ્રજ્ઞ

લીલુંછમ સરોવર

ઊઘડવા માંડ્યું

અને લચકમચક ડોલવા લાગ્યું

એક દિવસ

છેક ઊંચા ઊંચા આકાશમાંથી

કુતૂહલવશ

બડખમદાસ ચતુર્વેદી સૂરજનાં પાંચસાત કિરણો

એને જોવા આવ્યાં હતાં

બિચારાં એને જોઈને

એવાં તો અંજાઈ ગયાં

કે

અરસપરસ

ડબકડૂબકી દાવ રમતાં રમતાં

એમાં

લીલું લીલું લપસતાં ગયાં

ત્યારથી

મારું સરોવર

લીલુંછમ છે.

આજે

અહીં

બરાબર વચ્ચે

એટ ઇઝ

બેઠો છું

સમયે

આપના સૌના દર્શનાર્થે

અને

અભિપ્રાયાર્થે

એને

ખુલ્લું મૂકું છું

અને

જાહેર કરું છું

કે

ઘરમાં રસ્તે મગજમાં

ઉપર

નીચે

બધે બધે

રીતે

મારી માફક

બધાંને

બરાબર વચ્ચે

પોતપોતાની અનુકૂળતા મુજબનું

એટ ઇઝ

બેસવાનું મળી રહો

લીલું

લીલુંછમ સરોવર ઊઘડી રહો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004