ekrarnamun - Free-verse | RekhtaGujarati

એકરારનામું

ekrarnamun

અરવિંદ વેગડા અરવિંદ વેગડા
એકરારનામું
અરવિંદ વેગડા

હા,

હું આસ્તિક નથી.

ધર્મસ્થાનો મારું અંતિમ નથી.

જપમાળા

દીપ, ધૂપ..... નૈવેધ કે

ધ્યાન-પૂજા-મંત્રો-કલામ મારું અંતિમ નથી

નથી હું

દંડવત પ્રણામ કે ધ્યાનસ્થ મુદ્રા.

નથી મારા હાથમાં મેરુદંડ કે કમળદંડ

વસ્તુંનું હોવું કે ના હોવું મારું અંતિમ નથી.

અને હોય તોય શું? એનાથી

પેટમાં ભડભડતો જવાળામુખી

શાંત થશે? કે,

સહરા જેવી તૃષાનું શમન થશે?

અનાથાલયની દીવાલ પરનાં વિચારબિંબો.

ધર્મ માણસ માટે

કે,

માણસ ધર્મ માટે?

પણ તો માત્ર

મહાલયની બારી પરનો લહેરાતો પડદો

ને એમાં લપાઈ ગયો છે સદીઓથી માનવ,

હું એને પથ્થરિયા સ્થાનોમાં શોધું છું.

માણસની શોધ

મારી આસ્તિકતા....

એટલે હા

કદાચ, હું નાસ્તિક નથી.

સ્રોત

  • પુસ્તક : ચૈત્યભૂમિ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : અરવિંદ વેગડા