ek shaal - Free-verse | RekhtaGujarati

કારણ કે —

આ શાલ કોઈ માન-સન્માનમાં

મળી નહોતી

એટલે સાવ ચોખ્ખી છે.

એ કોણે આપી? ક્યારે મળી?

કશી જ ખબર નથી.

પરંતુ એટલી ચોક્કસ ખબર છે

એમાં બાએ થીગડાં મારેલાં.

જ્યારે આખી રાત ઊંઘ આવે નહિ

ચિંતા ને ઉચાટમાં પડખાં ફેરવતો હોઉં

ત્યારે એ થીગડાંવાળી શાલ

જાણે હળવે હળવે મને પંપાળતી હોય છે.

આ જૂનીપુરાણી સુંવાળી શાલ એવી છે

જે ઉનાળામાં ઠંડક આપે છે

ને શિયાળામાં હૂંફ આપે છે.

હવે,

આ જીવનની યાત્રાના અંતિમ દિવસે

મારી ચામડી કરતાં અધિક ચાહી છે તે

માત્ર આ થીગડાંવાળી શાલ રહે,

બીજું કંઈ જ નહિ.

હું જ્યારે નિઃશેષ થતો હોઈશ ત્યારે

આ થીગડાંવાળી શાલના

એકાદ છેડાને પકડી

અહીં જ રહીશ,

કાયમ.

સ્રોત

  • પુસ્તક : વસિયતનામું (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2021