ek sarariyal saphar - Free-verse | RekhtaGujarati

એક સરરિયલ સફર

ek sarariyal saphar

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
એક સરરિયલ સફર
સિતાંશુ યશશ્ચંદ્ર

ગયેલો તો મ્યુઝિમમ્માં,

ત્યાં જોયા મારા'જ મમી.

તાળવે અથડાઈ બોલી પડ્યો:

રાજા, રાજા, સુથાર દંડ. સુથાર દંડ.

કે' કે નહીં દંડુ નહીં દંડું.

થાય શું? તે ચાલ્યો પાછો દખણાદી વાટે.

વાટમાં મલી મારી પગલી.

ધૂળની ઢગલીની તો સગલી.

પૂછ્યું કે પગલીબેન, પગલીબેન, ક્યાં ચાલ્યાં?

તો કે તારા પગની ચારે પાસ!

પગલી તો પસરી. પસરી ને કોતર. કોતર તો કાળવું.

કાળવું બીકાળવું ને ભેંકાર,

કોતરમાં હું તો ભૂલો પડયો.

ભમતાં ભમતાં ચણો જડ્યો

ચણો જડ્યો, ને લાગી ભૂખ.

થાય કે ચણો ખઉં, ચણો ખઉં.

ચણો ખાધો. ને લાગી ભૂખ.

થાય કે ચણો ખઉં, ચણો ખઉં.

ખાતાં ખાતાં ચણા જડ્યો,

જડતાં જડતાં ચણો દડ્યો,

ચણો દડ્યો આગળ ને આગળ

ચણો આગળ ને હું પાછળ.

જાય દોડ્યા જાય દોડ્યા બેય

ને હું તો રહી ગયો પાછળ બેયની.

તે દોડતા દોડતા બેય પડ્યા ખોડમાં

હું કગર્યો :

ખોડ, ખોડ, ચણો આપ; ચણો આપ.

કે’ કે ચણો તો ના આપું,

કે’તો હોય તો બીજો આપું.

હું તો કગર્યો: ખોડ, ખોડ, ચણો આપ, ચણો આપ.

નહીં આપું; નહીં આપું.

ખોડની સાથે કેવી હોડ? કળથી લઈએ કામ તમામ

હળવે રહીને તરાડમાંથી જોયું માંહ્ય

માંહ્ય તો ભગવી ખુરશી. પીળું ટેબલ, પાવલો પાણી

ને માથે બત્તી.

ત્યાં ચણો હું ને સુથાર-ત્રણે રમે તીન પત્તી,

ખુરશી બોલે કિચૂડ કિચૂડ.

ટેબલ બોલે કિચૂડ કિચૂડ.

ખીલા કાઢી લીધેલા, ક્યાં નાખ્યા હશે, ભઈ?

મને ખબર નઈં, મને ખબર નઈં, મને ખબર નઈં

મને ખબર નઈં.

બધેય ને મેં સંભળાવી બેચાર બાપગોતર

‘લ્યાં આવું તે કેવું કોતર?

પગલી ખંખોરતોક ને ચાલ્યો

ચાલું ને ખંખેરુ પગલીને

એક ડગલું ને ખંખેરુ એક પગલું,

એક ડગલું ને ખંખેરુ એક પગલું.

પણ વાટ તો પગલાંને જણ્યાં કરે જણ્યાં કરે.

સદીઓને સંઘરતા મ્યુઝિયમમાં મારી આંખો

એમને ગણ્યા કરે ગણ્યા કરે.

પગલી ખંખેરુ તો ઘેરે મ્યુઝિયમ

મ્યુઝિયમના મારા મમી

મોં અસલ મારા જેવું કરી

બોલ્યા મારી ગમી ગંડુ

કે નહીં દંડું નહીં દંડું

થાય શું?

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973