Ek Quebist Kavya - Free-verse | RekhtaGujarati

એક ક્યૂબિસ્ટ કાવ્ય

Ek Quebist Kavya

મહેશ દવે મહેશ દવે
એક ક્યૂબિસ્ટ કાવ્ય
મહેશ દવે

ખુલ્લા દરવાજામાંથી

આકાશનો એક લંબચોરસ ભૂરો ટુકડો દેખાય છે

દરવાજાના ચોકઠામાં

કંઈ કેટલા અવાજોના ટુકડા મઢાઈ ગયા છે.

બારણાં કોઈએ બંધ કરી દીધાં

બારણાં કોઈએ બંધ કરી દીધાં

કોઈએ બારણાં બંધ

કોઈએ કબર ચણી દીધી

ઈંટોનો ઇહ ભાર વધતો રહ્યો

કોઈ કબર ખોલતું નથી

ભૂરા આકાશનો ટુકડો કોઈ ખોલતું નથી

તે છતાં બંધ થયેલી આંખોમાં કંઈક છે :

બેફામ બનેલી ઢળતી સાંજ

રાત્રિનો પ્રથમ પ્રહર

મધ્યાહ્ન

ગમે ત્યારે ગમે તે ક્ષિતિજ

ચક્ર પર ઑગળે છે

ઑગળતી પ્રસરે છે

રેલાય છે.

ત્યારે ઘોડાના આગળના બે પગ ધસીમસી આવે છે,

પછી રથ.

લાઓકુન સારથી ફિણિયું હાંફી

અજગરનો કોરડો વીંઝી દડબડે છે.

ક્ષિતિજની ઑગળતી ધાર પરથી

નીચે ઝૂકી રથ

પેસી ગયો પૃથ્વીના કાણામાં ગમે ત્યાં,

અને મૃતદેહ

ગમે ત્યાં આમ બનતું હોવું જોઈએ.

મૃતદેહ ગટરના કાણામાં ફેંકાય

જ્યાં અશ્વમેધ યજ્ઞની વિદ્યુતચુંબકીય જ્વાળાઓ

–બનતું હોવું જોઈએ–ભભૂકી ઊઠી.

ગાજરરસના ફુવારા ઝરખ ઝડપે

દોડી દોડી

કનાટ પ્લેસ પર ચાલતી સોનેરી લટોની

સાથળ વચ્ચે ત્યાં હૃદયરેખામાં સૂતો

હમ્મુરાબી

હમ્મુરાબી નામનો એક અસલી માણસ,

દાઢમની જ્વાળાઓમાં

રક્તરંગી ડહાપણની દાઢો વચ્ચે

ભચડક કરતો ઊભો થયો.

સામે એક ગોખમાં જોયું

જેમાં પંચ પાક પીર ફરફરતી દાઢી

મૃગજળવાસી નરકેસરી રાજ્યમાન રાજેશ્રી

સેનાખાસખેલ શમશેર બહાદૂરની

અપૂચ્છ ડાર્વિની વ્હિસલ વાગી

તેવી રેલાઈ ગઈ મિનારામાં.

બેપનાહ છે રસ્તાનો રઝળતો વળાંક

અને માઇલેજ દર્શક પથ્થર,

દરિયાની સપાટીથી જમીન કેટલી ઊંચે હોઈ શકે

અંતરગંગાનાં હલબલ વારિપોચા હૈયાની હલચલ

ડોલતી લડખડાતી ઝાંઝવી રેવાલ,

હેલન દોડે છે નિરંતર સહરામાં સહદેવ

ઝહાન્નુમી ઝન્નતી

એહરુન્નિસ્સા

નિશાના શુક્રમાં જોઈ છે ને જોઈ છે

વાંસવનની વાંસળીના નાદે મૂર્તિ ડોલાવતી રફતાર.

ત્યાંથી પાછો વળ

તડકાના તોફાની તળાવમાં

આળોટીને ફૂલદડો રમીએ,

ગોળગોળ વસ્તુઓનો સામૂહિક આસ્વાદ કરીએ

બધી ગોળ વસ્તુઓનો

શબરી સ્વાદ પાવનકારી હોય છે.

સાથળરેખામાં બર્લીનની દીવાલના પાયા

ઊંડે ગોડાયા છે

ને જ્વાળામુખી સૂર્યમુખી ફાટ્યો છે.

દુનિયા ખરીદી લેવી છે

થોડા કુકાઓમાં

તે બિનઐતિહાસિક વાત ફરફરે છે.

ગમાર સમજ જરા

પૃથ્વીના બે ટુકડા કરીને

એક પર તું ને બીજા પર તું

એક પર બંગલો ને બીજા પર બંગલો

બાકીમાં શિવનિર્માલ્ય ચહેરા પોસાય

જે ટેલિવિઝનના પર્દા પાછળ છવાયેલી

છેપટ પર ચિતરાય

ને તેના પર પરીક્ષિતી માંસના લોચા ચીટકાય

અશ્રુબિંદુમાં મધનું સરોવર ઉભરાય

પણ ભૂરા આકાશના ટુકડાને કોઈ ખોલતું નથી.

કબરમાં મીઠું ઑગળી રહ્યું છે,

...રોકો...આ...

કાળા મોઢા’ળા કીડા ઉપસ્યા

કટુડંખી જીવાતની ચાંચો ભોંકાઈ

ગલી કરતી ઈયળો લપટાઈ

ગલી થાય છે ખી ખી થતું નથી,

ક્યાંથી થાય

ગાડીના ડબ્બા જેવી ઓરડીમાં

હુંએ જન્મ લીધો છે.

હું હમ્મેશાં લાંબી સીડી બેવાર ચડઉતર કરે છે.

રાત્રે નનામીમાં પોઢે છે

પથારી મંથર ટપક્યા કરતા નળના પાણીમાં

ભીંજાય છે,

હું પોઢ્યો હોય ત્યારે એક નાગણ

સાત દાદર ચઢીને ઓરડીના ખારમાંથી પ્રવેશે છે.

હુંના ડાબા પગની પાનીને

ઝેરી દાંત વાટે બધું ઝેર ઠાલવે છે.

હું જાગી જાય

સાપણની બે નીલમણી આંખોનો ચળકાટ

હુંનું નિરાધાર આક્રમણ

સાપણ ફણા સંકોચી ઉછળે, અને

હુંના શિશ્નમાં પ્રવેશી અદૃશ્ય બની જાય

હું પથારીમાં પટકાય

આસપાસમાં જીવડાં ઉપસે

હુંના દેહે વળગે

બચે દાંત ને હાડપિંજર

પણ કશુંક નક્કર ફરસને કાણું પાડી

નીચે લસરી જાય.

નીચે લસરી જતું કશુંક

નક્કર લસર્યા કરતું

અવરોધ વિના.

નક્કરરની આસપાસ હુંનો દેહ પુનર્જન્મતો.

ફરી એક વાર

સમુદ્રની ભૂરી સપાટી ચળક ચળક થતી દેખાય છે.

હુંને થયું કે હુંનું પતન પાવનકારી નીવડશે.

પણ સમુદ્રની સપાટી પર

આવી અફળાતાં

કાચનાં મોજાંની ધારો

હુંના દેહના ફોદેફોદા ઉડાવી દે છે.

ફોદાઈ ગયેલા પગથી કેટલું ચાલવાનું છે!

રસ્તા પર લોહીમાંસ ઘસડાય

ગણ્યાં ગણાય નહિ મડાં સૂતાં છે

ને કોઈનો ચિત્કાર સંભળાય છે

અવાજની દિશા બાજુ સર્યો હું

અવાજે એને બોચીમાં બચકું ભરી, પાડ્યો,

હું પડ્યો, ને

મડાં ઊભાં થઈ ચાલવા લાગ્યાં,

સૂર્યમુખીની પાંદડીઓ પર જઈ બેઠાં

સૂર્ય આકાશ ચીરે સૂર્યમુખી ધરા,

હું જન્મ્યો ત્યારે

મૃત્યુ એના દેહમાં જન્મી ચૂક્યું હતું

હુંએ મૃત્યુને દેહમુખીમાં ભંડારી રાખ્યું હતું

હુંના ચહેરા પર તેનું દર્શન ગમે ત્યારે થઈ શકતું.

મૃત્યુ એના દેહમાં જીવતું હતું.

મૃત્યુના દેહમાં જીવતો હતો.

બારણાં બંધ થઈ ગયાં

ક્યાં છે હાથ

હાથ પર કેમ કોઈ ખીલો ઠોકી દેતું નથી!

હાથ કેમ બારણાં ખોલી શકતાં નથી

આકાશ ક્યાં-

વાંસવનની વાંસળી બજે છે ને બજે છે

સહરાની પ્યાસ દીપક રાગ ગાય છે ને ગાય છે

શાહમૃગોની એક લાંબી પંક્તિ દોડ્યા કરે છે

પોલાણમાં.

ને દોડી જાય છે થોડાંક બ્રહ્માંડ ભર્યાં મડાં

પોલાણમાં,

રક્તપાંદડીઓમાં.

નિહારિકાની ચાદર ઓઢીને દોડે છે કોક

વચ્ચે કેમ થોભાય દોડે છે કોક.

ક્ષિતિજની કોઈ બાજુએ

ભચક્ર પર ગેબી પોકાર

ને પોકાર શમે છે.

શબ્દ વિનાની છળભરી સૃષ્ટિમાં શબ્દ છે ઘણા

વાયુ વિનાની વનસૃષ્ટિમાં વન છે ઘણા.

વન વિનાની નગરસૃષ્ટિમાં અવાજો છે ઘણા.

ઘણું દેખાય છે

સુંઘાય છે

વિયાય છે

જેમાં વિદ્યુતચુંબકીય મોજાં છે,

મસાલા ભરીને રાખી શકાય તેવું ઘણું છે

પણ ક્યાં સુધી-

એક છે બિનઐતિહાસિક હદ

તેમાં નથી તળાવ તડકો માખી મનખો

અંધકાર

સૂનકાર

લંબગોળ વિરાટ સૂનકાર

સાથળરેખામાંથી ધસી આવતો અંધકાર

ગટરમાંથી બે પગ નિકળે છે

ચાલતાં ચાલતાં ઋજુ પગથિયાં ચઢે છે

ટેબલ નીચે

બે બૂટ સામે તાકી બેસી રહે છે

એક બૂટ મંદ મંદ દોડે છે

એક માખીને જોવાની ગમ્મત પડે છે

આસપાસ શોંપેનો ધ્વનિ કૂદે છે

ટેબલ પર અવાજ અથડાય છે

કેમ છે

સારું છે

મને રસગુલ્લાં ભાવે છે

પેપરમાં કંઈ ખાસ નથી

બધું પ્રોબ્લેમેટીક બનતું જાય છે

હોય છે

શાહીબાબ તરફ

આશ્રમ રોડ તરફ

અસલમાં કશું બનતું નથી હોતું

બને છે પણ શું-

ગટરના બાકોરામાંથી અશ્વ ધસી આવે છે

પુરપાટ દબડક

અશ્વ કોઈ પણ એક દિશા બાજુ ગતિ કરે છે

આયનામાં

અશ્વ એટલે આગ

વૃક્ષ એટલે સરોવર

નિરંજન એટલે સચ્ચિદાનંદ

ખુરશી એટલે હમ્મુરાબી

એમ હોય

પેટમાં ટૂંટિયું વાળીને પડેલી સાપણ કૂદે.

સ્રોત

  • પુસ્તક : બીજો સૂર્ય (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : મહેશ દવે
  • પ્રકાશક : રૂપાલી પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 1969