વૈલોપ્પિલ્લી શ્રીધર મેનન
Vyloppilli Sreedhara Menon
દોડીને આવતું સૂર્યકિરણ–
કવિને કહે છે :
“આકાશનો આવાસ છોડીને
હૂં આટલા વેગથી
લાલચની સાથે છલાંગ ભરતું
જ્યારે અહીં આવું છું ત્યારે
મને પાંડુર બનાવે છે
મારી આખોમાં અંધારું ભરી દે છે
ભૂમિના જીવનરૂપી
વ્રણનું વૈરુપ્ય!
આ ભૂમિ પર હું વિશેષ કશું નથી –
કેવળ મૂર્તિમાન સંતાપ!”
લ્હેરાઈ આવતો પ્રભાત-પવન-
કવિને કહે છે :
“આકાશની વનસ્થલી છોડીને
થાક્યોપાક્યો વળી આશાભર્યો
જ્યારે પહોંચ્યો છું ત્યારે
મને કંપાવી દે છે
અને ઘૃણા પેદા કરે છે
ભૂમિના જીવનરૂપી
વ્રણની દુર્ગન્ધ!
આ ભૂમિ પર વિશેષ કશું નથી –
કેવળ એક આકુલ ઉચ્છવાસ!”
ગીત ગુંજતી આવતી વર્ષાની બુંદ
કવિને કહે છે :
“આકાશનો અંક છોડીને
હું આટલા વેગથી
ઉન્મેષ સાથે, શીતળ હૃદયથી
જ્યારે પહોંચું છું ત્યારે
મારા હૃદયને સૂકવી દે છે
હોઠોમાં ઘૃણા ઢોળી દે છે
ભૂમિના જીવનરૂપી
વ્રણનું માલિન્ય!
ભૂમિમાં વિશેષ શું છું?
કેવળ ઝરતું એક અશ્રુબિન્દુ!”
કવિએ કહ્યું : “મિત્રો,
આ વનપુષ્પને જુઓ.
પોતાના સ્મિતથી એ
કિરણમાં પણ સૌન્દર્ય ભરી દે છે
ફેલાતી સૌરભથી એ
પવનમાં પણ પૂરે છે નવવીર્ય.
ભીતરના મધુથી
જલબિંદુમાં છલકાવે છે માધુર્ય.”
જીવન-સૌભાગ્યના
દેવતા સમું આ ફૂલ જ્યાં લગી છે
ત્યાં લગી
શું દુસ્સહ છે આ વૈરુપ્ય,
આ દુર્ગન્ધ, આ માલિન્ય?
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑગસ્ટ, ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
