ek kawita puri karun chhun ke - Free-verse | RekhtaGujarati

એક કવિતા પૂરી કરું છું કે

ek kawita puri karun chhun ke

સંસ્કૃતિરાણી દેસાઈ સંસ્કૃતિરાણી દેસાઈ
એક કવિતા પૂરી કરું છું કે
સંસ્કૃતિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે

તે આખો આકાર લઈ ઊભી થઈ જાય

કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું છું તો

તેનું આકર્ષક રૂપ લઈ

મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે

આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું છું તો

પાંચ સાતની ટોળી ઊભી થઈ

મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે

ને પછી બધા નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં

ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે

મને થયું જેવી હું તેને પૂર્ણ કરીશ કે

કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?

ને મેં છેલ્લી પંક્તિ લખી નહીં,

પૂરી કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે

કાગળ સાથે પગ જકડાયેલો

છેલ્લી પંક્તિની રાહ જોતો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 427)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004