Ek Kavya - Free-verse | RekhtaGujarati

એક કાવ્ય

Ek Kavya

મૂકેશ વૈદ્ય મૂકેશ વૈદ્ય
એક કાવ્ય
મૂકેશ વૈદ્ય

સ્પર્શના જળમાં

હું માથાબૂડ ઊભો છું

ઝીણી માછલીઓની જેમ

કેટલાક અવાજો

મારાં જખ્મી અંગોને

કોતરી કોતરીને કરડી રહ્યા છે.

સૂરજનું લોહી

મારી બંધ આંખોમાં ઢોળાય છે.

કાંઠે નેતરના ઝૂંડમાં

ઘાસલ સુવાસના ભીના રૂપેરી ધુમ્મસે

પીળકના ટહુકા જેવા

ઘડીક સરવા થઈ ફફડી ઊઠતા

ફરી પાછા પાંખો બીડીને

મારા કાન ચાલે છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ