Ek Kavya - Free-verse | RekhtaGujarati

એક કાવ્ય

Ek Kavya

બકુલ દવે બકુલ દવે
એક કાવ્ય
બકુલ દવે

કીકીઓમાં ઊગેલા ઝાંખરામાં ફસાયેલું

આકાશનું ચીંથરું

ક્યારનું ફગફગ્યા કરે છે.

ચોક્કસ સમયાંતરે

ગ્લુકોઝ સેલાઈનનું ટીપું

ટપક્યા કરે છે.

સફેદ ચાદરની બે કરચલીઓ વચ્ચે

સ્થિર થયેલા અંધકારમાં

ગ્રીષ્મની બપોરનો વંટોળ

ચકરાયા કરે છે.

સફેદ નર્સ

સફેદ ડૉક્ટર

સફેદ આશ્વાસનો અને સફેદ સ્મિત.

હૃદયની બખોલમાં

ઘૂ... ઘૂ... ઘૂ... કરી રહ્યું છે

સફેદ પારેવું.

સફેદી... સફેદી... સફેદી...

હવે દૃષ્ટિનાં ટેરવાં થીજી ગયાં છે

કોઈ મેઘધનુષનું તાપણું સળગવોને!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ