એક દૃશ્ય
ek drishya
પ્રબોધ જોશી
Prabodh Joshi
પ્રબોધ જોશી
Prabodh Joshi
દૂર દૂર આથમતો સૂરજ
દીવાટાણે પાછી વળતી ગાયોનું ધણ ચારતો...
મંદિરોના ઘંટનાદના શ્વાસ હવે ઘૂંટાતા.
પનિહારીનું મૌન રહે છલકાઈ કૂવાને કાંઠે
આછા આછા પડછાયાને ગળતો સૂરજ...
કોઈ મુસાફર નહીં ચોતરે
વડલો એકલવાયો ડોલે
વગડો દૂરદૂરથી બૂમો પાડે.
વાળુટાણે પાછા વળતાં કો'ક ખેડૂની એક બૂમને
સીમ બધે પડઘાવે.
મચી રહે કલશોર, ખોરડું આળસ મરડે
દીવાના ઝાંખા અજવાસે
માજી જાણે વૃદ્ધ આંખ પર સજી નેજવું
સીમ લગી ફરી આવે.
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, 1972 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
