Ek Deh - Free-verse | RekhtaGujarati

હવે બંને સુતેલાં છે અલગ, પ્રત્યેક જુદા પલંગ પર.

તે સૂતા છે ચોપડી લઈને, દીવો મોડી સુધી બળતો રાખી,

તે મુગ્ધા જેવી, શૈશવનાં સ્વપ્નોમાં ખોવાયેલી, -

જેમાં, બધાય પુરુષો તો બીજે ક્યાંક, જાણે બંને કોઈ નવા બનાવની

રાહ જોઈ રહ્યાં હોય; તેણે ઝાલેલું પુસ્તક અણવાંચ્યું,

તેની આંખો ઉપરના પડછાયા તરફ તાકતી.

પૂર્વના આવેશસમુદ્રમાંથી વહાણના ભંગાર જેમ ફેંકાયલા,

કેટલાં ઠંડા તેઓ સૂતાં છે. એકબીજાને તેઓ ભાગ્યે સ્પર્શે છે,

અને સ્પર્શે છે તો તે બને છે નહિવત્ લાગણીની

અથવા ખૂબ લાગણીની કબૂલાત જેવું.

વાનપ્રસ્થ તો સામે છે,

જે મુકામ માટે એમનું સકળ જીવન એક તૈયારી હતું.

અદ્ભુત રીતે અલગ, છતાં અદ્ભુત રીતે લગોલગ

એમની વચ્ચેનું મૌન, દોરા જેવું, - ધરી રાખવાનું

પણ ખેંચવાનું નહિ. કાળ છે પોતે એક પીછું

જે તેમને સ્પર્શે છે નજાકતથી. શું તેઓ વૃદ્ધ છે તે તેઓ જાણે છે?

બે જે મારા પિતા ને મારી માતા,

જેમના પાવકમાંથી હું પ્રકટી છું તે હવે ઠંડો થઈ રહ્યો છે.

(અનુ. શીરીન કુડચેડકર)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ