ek chitra - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટીંબાની ટોચે ઊગેલું

ઊંધા અધખૂલા પુસ્તકના જેવું ઘર

ને

ઘરખૂણાને અજવાળે કો કોડિયું

ધીમું ટમટમતું :

ને ઘરનાં નળિયાં નીતરે એવા

નેવાની ધારે નીતરતું

ઝમઝમ વરસે ચોમાસુ

નભનાં આંસુ.

નાનકડી નદી ચોમાસામાં

પહેલવારકી ગર્ભવતી નાજુક કન્યાશી

તસતસ વહેતી

ભેટવાનું મન થાય,

એવું કંઈ કહેતી.

ભીતર ઊછળતા ગરભ સમાણી

લહરો ઊછળે

લહરો લહરો ભેગી થઈ મોજાં મોજાં

ઊછળે…

કુંવડિયાનું વન કિનારે ડૂબે-

ને તે કિનારે ભેખડ ઊંચી ઊંચી આખી

જાય ડૂબી-

ને હાલકડોલક નાવડું નાચે મોજાં માફક.

ઝાડ ડૂબેલાં માથા કહાડી ઊંચું ભાળે

પાણી મહીંથી

ને નાવડી નાળિયેરના કાળા કાળા

ઢગ ભરીને પા તે પા કરે

આવ-જા.

આંખોમાં છે ટીંબો ઘર-

નેવાં ને નળિયાં નીતરતું ચોમાસું આખું.

ખળખળ વહેતા વહેળા મારી રગમાં વહેતા

તોફાની જળમાંની તરતી નાવ હજુ

ચકરાવ ચડાવી માથું મારું ગોળ ઘુમાવે.

ઉનાળે સુક્કીભઠ્ઠ સરિતા આંખે

મારી જાય વહેતી બારે માસે-

હું વરસતું ચોમાસુ છું.

સ્રોત

  • પુસ્તક : ક્ષણોનું આલ્બમ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : સુશીલા ઝવેરી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1985