ek ashakya wat - Free-verse | RekhtaGujarati

એક અશક્ય વાત

ek ashakya wat

વિપિન પરીખ વિપિન પરીખ
એક અશક્ય વાત
વિપિન પરીખ

એક દિવસ

આપણે શહેરને છોડી ચાલ્યા જશું.

ગામમાં આપણું એક ઘર હશે.

ફૂકડાના સ્વરે ચિરાઈ જશે અંધકારનો પટ.

તેજનાં કિરણ પગલાં મૂકશે આંગણામાં હળવે હળવે.

વાડામાં ભાંભરતી ગાયોનાં નામ હશે : નીલમણિ અને નંદિની.

તું

તુલસીના ક્યારામાં જળ સીંચી

સૌભાગ્યને ઉજ્જવળ કરતી હશે સવારે.

બહાર

આપણું બાળક ગેલ કરતું હશે

બિલાડીનાં કાળાંધોળાં બચ્ચાં સાથે.

રાત્રે

ચંદ્ર એનું ચંદન રેલી છુપાઈ જશે વાદળપૂંઠે

અને

આંગણામાં ઊભેલો ગુલમહોર

સમીરને

આપણી વાતો કહેતાં કહેતાં લાલ થતો હશે.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975