E Kon Chhe? - Free-verse | RekhtaGujarati

એ કોણ છે?

– માણસ જ! બીજુ શું?

હા, પણ એ કરે છે શું?

– એ જીવે છે અને એ માણસ છે.

હા, ઠીક, પણ એણે કશું કામ તો કરવું જોઈએ.

કોઈ પણ પ્રકારનો એક વ્યવસાય તો હોવો જોઈએ.

– શા માટે?

કારણ કે દેખીતું છે : એ કાંઈ ફુરસદિયા વર્ગનો નબીરો તો નથી.

– હું નથી જાણતો. એને પુષ્કળ ફુરસદ છે.

અને એ સરસ મજાની ખુરશીઓ બનાવે છે.

હા, હવે બરાબર કહ્યું. એ ‘કેબિનેટ’ બનાવનાર છે.

– ના, ના!

પણ તેમ એક મિસ્ત્રી કે સુથાર?

– ના, જરાય નહીં.

પણ તમે તો કહ્યું.

– મેં શું કહ્યું?

કે એ ખુરશી બનાવે છે, ને એ મિસ્ત્રી અને સુથાર છે.

– મેં એમ કહ્યું કે એ ખુરશી બનાવે છે,

પણ મેં એમ નથી કહ્યું કે એ સુથાર છે.

અચ્છા ત્યારે, એ માત્ર અવેતનિયો છે?

– કદાચ, કોયલ કે બુલબુલને તમે ધંધાદારી ગાયક કહેશો?

કે માત્ર ‘એમેચ્યોર’?

હું તો બસ એમ જ કહીશ કે એ માત્ર પંખી છે.

– અને હું એમ કહું છું કે એ છે કેવળ મનુષ્ય.

વારુ ત્યારે! તને હંમેશ શબ્દ સાથે ચેડાં કરવાની ટેવ છે.

(અનુ. વિપિન પરીખ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ