
નવકિશોર, તને આપ્યું પૃથ્વી પરનું વાદળઘેંર્યું આકાશ
તને આપ્યું બટન વગરનું ફાટેલું શર્ટ અને
ફેફસે ફસાયેલું – હાસ્ય
ભરબપોરે ખુલ્લા પગની રખડપટ્ટી, રાતે મેદાનમાં
ચત્તાપાટ થઈને સુવાનું
આ બધું હવે તારું જ છે, તારા હાથમાં ભરી લે
મારા સમયનું પૂર્ણવિરામ
દુઃખ વિનાનું મારું દુઃખ ક્રોધ કંપ
નવકિશોર, તને આપ્યાં મારાં જે કંઈ હતાં તે આભૂષણ.
બળતે હૈયે કોફીનો ઘૂંટડો, સિગારેટની ચોરી, બારી પાસેથી
વારંવાર યુવતી તરફ કરેલી ભૂલ
કઠોર વાણી, કવિતા પાસેની ઘૂંટણિયા બેઠક, છરીની ચમકથી
રીસમાં માણસ અથવા માણસ જેવું બીજું જે કંઈ છે
તેની છાતી ચીરી જોવાનું.
આત્મહત્યા, શહેરની પીઠને ઉલટાસુલટી કરનારા
અહંકારનાં આવેગી પગલાં
એકાદી નદી, બેત્રણ પ્રદેશ, કેટલીક નારી –
આ બધાં મારાં જૂનાં વાઘાં, બહુ વહાલાં હતાં, હવે
શરીર પર બહુ તંગ લાગે છે, સારાં નથી લાગતાં
તને આપ્યાં, નવકિશોર, મન થાય તો પહેરી લે
અથવા તિરસ્કારથી દૂર ફેંકી દે, તને જેમ ગમે તેમ.
હું તારી વયનો હતો ત્યારનું મારું બધું
તને આપવાની મને ખૂબ ઇચ્છા થાય છે.
(અનુ. નલિની માડગાંવકર)



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ