shastr sannyas - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શસ્ત્ર સંન્યાસ

shastr sannyas

પ્રવીણ ગઢવી પ્રવીણ ગઢવી
શસ્ત્ર સંન્યાસ
પ્રવીણ ગઢવી

ચાલો, આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ

અને ગોળમેજી પરિષદ ભરીએ.

અમારે કોઈ દેશ નથી, વેશ નથી.

ખેડવા ખેતર નથી, રહેવા ખોરડું નથી.

આર્યાવર્તના કાળથી તે આજ સુધી તમે

ઘાસનું તણખલુંય અમારે માટે રહેવા દીધું નથી.

ચાલો, અમે તે બધું ભૂલી જઈ.

તમે ગામમાં ચણેલી દીવાલો તોડી નાખવા તૈયાર છો?

અમે દૂધમાં સાકરની જેમ ભળી જવા તૈયાર છીએ.

તમારી દ્રૌપદી જો સ્વયંવરમાં અમારા ગલિયાને વરમાળા પહેરાવે

તે સહી શકશો?

અને જો અમારી રૈલી જો ચિત્રાંગદાની જેમ નવવેશે આવે તો

તમારો અર્જુન એને સ્વીકારશે?

ચાલો, આપણે મરેલાં ઢોલ ખેંચવા વારા કાઢીએ, રાજી છો?

ચાલો, અમે તમારું એંઠું ખાવા રાજી.

તમે અમારા ઘેર વિવા હોય ત્યારે એંઠું ખાવા આવશો?

ચાલો, બંધારણમાંથી રિઝર્વેશનની કલમો ભૂંસી નાખીએ.

અમારા મગનિયા, છગનિયા, Open Compete કરશે.

પણ તેમને કોન્વેન્ટ સ્કૂલોમાં દાખલ થવા દેશો?

ચાલો, આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ

અને દેશની રસાળ ભૂમિને સાથે મળીને ખેડીએ.

પણ અમને ખળાનો અર્ધો ભાગ આપશો?

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007