
અરે આલ ભાળ ખરો
દન વાદળથો ઢકાઈ જો
સાંદો ગળી રીયો
કુંઈ ટીપીના રુંગી જીમ
બે ડુંગરા વસમાં ઈંદારું વછૂટ્યું
માયાવી રાક્ષસ જીવું
અન
છાયા ઉબા થાયા હરગની ગળી જાવા
અરે યાર જો તો ખરો
સૂરજ વાદળથી ઢંકાઈ ગયો
ચંદ્રમા ઓગળી રહ્યો છે
કોઈ ટીબીના મરીજ જેમ
બે ડુંગર વચ્ચે અંધારું વછૂટ્યું
માયાવી અસુર જેવું
અને
પડછાયા ઊભા થયા આકાશને ગળી જવા
અરે આલ ભાળ ખરો
આડા પડી રીયા અહતા ઝાડ
જુગથો હાસવી રીયો તી ડુંગરાન્ પીટમાં
કાણું પાડી ભૂત કાળજું જુંવે સે
તીના હાત રંગમાં હાતી રતન સે
ઈતરે બડવા ગાયણિયા બાવા
બદા જ ખપ્પર લીન વાહે પડી જા સે
અરે યાર જો તો ખરો
આડાં પડ્યાં હસતાં ઝાડ
યુગોથી સાચવી રહ્યા ડુંગરના પેટમાં
કાણું પાડી ભૂત કાળજું જુવે છે
તેના સાતે રંગમાં સાતે રતન છે
એટલે ભૂવા, બાવા અને જાગરિયા
બધા જ ખપ્પર લઈ પાછળ પડી ગયા છે
અરે આલ ભાળ ખરો
ગરજ ઈપેર ફરી રીયો
ઘુવોડ ડાબો ગાંગરી રીયો
ફાલુ વસમાં ચીસાઈ રી
અન તન
નીંદર ઈપેર નીંદર આવી રી સે
ઈ છાયો રુંકાઈ જાહે
ટીબી સાંદાન્ ખાઈ જાહે
ડુંગરો ગરી પડહે
રેતીના ઢગલા થાહે
તું કા ઈહી ઈ વિસાર્યુ સે ખરું?
અરે યાર જો તો ખરો
ગીધ આકાશ ફરી રહ્યો
ઘુવડ ડાબે બોલી રહ્યો
ફાલુડી વચ્ચે રાગડો ખેંચે
અને તને
ઊંઘ ઉપર ઊંઘ આવી રહી છે
આ પડછાયો અટકી જશે
ટીબી ચાંદને ખાઈ જશે
ડુંગર ખરી પડશે
રેતના ઢગ થશે
તું ક્યાં હોઈશ વિચાર્યું છે ખરું?
અરે આલ ભાળ ખરો
કામઠી સડાવ જરી
ભાલડજી હદાર જરી
લુઈ કાડી ભાળ જરી
કલરતે કોયન બદલાયો ની?
નીત બદું વીતરાય જાહે
ઝળકતું બદું ઉલવાય જાહે
પસ રીહે
ઈખલું ઈંદારું!!!
અરે યાર જો તો ખરો
ધનુષ્ય ચડાવ જરા
તીરો સવાર જરા
લોહી ચકાસ જરા
રંગ તો નથી બદલાયોને?
નહીં તો બધું વહેકાય જશે
ઝળહળતું બધું ઓલવાઈ જશે
પછી રહેશે
માત્ર અંધકાર!!!



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : ઑગસ્ટ ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન, મુંબઈ