hathawagun sapanun - Free-verse | RekhtaGujarati

હાથવગું સપનું

hathawagun sapanun

સાહિલ પરમાર સાહિલ પરમાર
હાથવગું સપનું
સાહિલ પરમાર

પ્રિય,

તું તો મારું સપનું છે.

હાથવગું સપનું

મારું સાચુકલું સપનું

હા,

મારી દીકરીના ચહેરામાં તું

મારી આંખોમાં

ઊછરતી જતી તું

ધીરે ધીરે

આંખને રંગતી જતી

તારા ચોટલાના બ્રશને સહારે

અથવા

એકદમ આંધીની જેમ

છવાઈ જતી તું,

પ્રસરતી જતી

મારી રગરગમાં

તારી જુસ્સાદાર ભ્રમરો

સંકોચતી સંકોચતી

અથવા

મારી ભુજાઓમાં

શાંતિથી ઝૂલ્યે જતી

ને હાલરડું

સાંભળ્યે જતી તું

અથવા તો

મારી પત્નીના ચહેરામાં તું

ગોટે ગોટા ઘુમાડાથી

ગભરાતી

અને રીતે

ગભરાઈને ફાંફે ચઢેલા મને

દોર્યે જતી

પછવાડે પછવાડે તારી

એક અજાણ્યા શહેર ભણી

જેની ગલીઓ છે સાવ અજાણી

ને જેના વળાંકો છે બહુ જોખમી-ભયાનક

અથવા તો

મારી માતાના ચહેરામાં તું

હાંફભરી,

થાકેલી, સાવ ચૂરચૂર

ને તોય

પળ પળ ઝઝૂમતી,

મુકાબલા સમી જિંદગી સામે

ને પ્રેરતી જતી મને

આંધીની સામે

બાથ ભીડી દેવા

અથવા તો

પહાડને ટોકરા કે બેડાની જેમ

ખભે ઉપાડવા

અથવા તો

તારા ચહેરાને

જાણે કોઈ

ચહેરો નથી

બસ તું તો છે

સતત ખૂલતી જતી પગદંડી

જેની દિશા છે એક –ઊર્ધ્વ

અથવા તો

તારો ચહેરો સર્વવ્યાપક છે

મારા ચહેરા જેવો-

કવિના મુખવટા જેવો

જે દેખાય છે સર્વત્ર

ને છતાં કદાચ

હોય ખરેખર

ગમે એમ હોય,

પણ હું તો તને કહીશ

સાચુકલું સપનું

પ્રિય,

તું તો મારું સપનું છે,

મારું હાથવગું સપનું.

સ્રોત

  • પુસ્તક : મથામણ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : સાહિલ પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2004