melaman aawjo - Free-verse | RekhtaGujarati

મેળામાં આવજો

melaman aawjo

કાનજી પટેલ કાનજી પટેલ
મેળામાં આવજો
કાનજી પટેલ

ધણીને પહેલવારકો વિચાર આવ્યો

વિચાર ગરમ અંગારો હતો

ગરમીથી અંધારું ઓગળ્યું

અંગારના તણખા અંધારામાં વહી ચાલ્યા

તગતગારાની ગોળ કમાન થઈ

એમ આકાશ થયું

અંધારું અડધું વધેલું હતું એમાંથી રાત થઈ

રાત બોલી: મને શીદ ઘડી?

ધણીએ બીજવારકો વિચાર કર્યો

એમાંથી પંખી થયાં

પંખી નકરું અજવાળું

અહીં ઊડે તહીં ઊડે

ચકચક ચકચક

આખી કમાન ભરાઈ ગઈ

પંખી રમીરમીને થાક્યાં

પંખી પૂછેઃ અમારે બસ રમ્યા કરવાનું?

ધણીએ ત્રીજવારકો વિચાર કર્યો

એણે ધરતી પેદા કરી

વન કર્યાં, મેદાન કર્યાં, પર્વત, રણ ને નદી કર્યા

પંખી નવા ઘરમાં રમવા લાગ્યાં

ધરતી પૂછે: અમારે કર્યા કરવાનું?

ધણીએ ચોથવારકો વિચાર કર્યો

એમાંથી નારી ને નર થયાં

હર્યાં ફર્યાં ને થાક્યાં

નરનારીએ પૂછ્યું: બસ આટલું અમારે?

ધણીએ પાંચમાવાકો વિચાર કર્યો

એણે ચીકટ પેદા કર્યું

માણસ જાત કરી

વાણી આપી, વહેવાર આપ્યો

માણસે વાણી ને વહેવાર વાપર્યાં

ધણીએ પૂછ્યું : માણસ, તારે બસ આટલું જ?

માણસે કહ્યું : રંગ કરીશું

ખાશું પીશું

ગાશું નાચશું

ધણી કહે: મને એમાં બોલાવશો?

માણસ કહે: મેળામાં આવજો.

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015