‘Dha’ ne kani nahi ‘Dha’ - Free-verse | RekhtaGujarati

‘ઢ’ ને કંઈ નહિ ‘ઢ’

‘Dha’ ne kani nahi ‘Dha’

બબલદાસ ચાવડા બબલદાસ ચાવડા
‘ઢ’ ને કંઈ નહિ ‘ઢ’
બબલદાસ ચાવડા

અર્ધી સદી પહેલાં,

અંત્યજ શાળાના એક ખૂણામાં

શીખતો હતો

‘ઢ’ને કંઈ નહીં ‘ઢ’! ત્યારે

ગૌરવશાળી ‘ઢ’ નો મહિમા

સમજતો હતો

સમયના વહેણ સાથે

‘ઢ’ મારી સાથે હતો! મારો પડછાયો!!

જન્મથી તેની સાતે મારે દોસ્તી હતી!

વર્ણાશ્રમમાંથી ઊભી થયેલી દોસ્તી!!!

વાંકોચૂકો ‘ઢ’

કાળોતરા નાગની ફેણ જેવો!!

એને જોતાં ચમકારો થાય!

વીજળીનો કરંટ લાગે!

બસમાં કે ગાડીમાં–

હોટલમાં કે વાડીમાં,

નોકરી! છોકરી!

બધે ગભરાટ

‘ઢ’ નો ચમત્કાર ઓર!

‘એફ 16’ વિમાન જેવો!!

કામક્રમે

‘ઢ’ સ્વાંગ બદલ્યો!

સૂટમાંથી સફારી જેમ...

‘ઢ’માંથી ‘હ’ થયો!!!

ગાંધીનો પ્રિય શબ્દ!

પણ કાનામાત્રા વગરનો!

કોરોધાકોર!

એને વાઘા પહેરાવવાની બધાને છૂટ

પણ સમયનું વહેણ બદલાઈ રહ્યું છે.

ગાઢ નિંદ્રામાંથી ‘ઢ’ સફાળો જાગ્યો!

તેણે આળસ મરડીને જોયું!

ક્ષિતિજ ઉપરનું રહસ્ય–ને ભડક્યો!

સર્વત્ર અત્યાચારો!

આઝાદીમાં પણ બરબાદી!

તે વર્ષોનો તિરસ્કાર સમજી ગયો!

ઢબુનો ‘ઢ’ તેને રહેવું નથી,

તેને તો–

સમાનતા સારુ, સ્વમાનભેર જીવવું છે...

આંસુને બદલે આક્રોશ વ્યક્ત કરવો છે...

જુલ્મ સામે પ્રતિકાર કરવો છે.

સાવધાન!

અત્યાચારો બંધ કરો. વરના–

સામાજિક ક્રાંતિ માટે,

પ્રતિ આક્રમણ થઈને રહેશે.

હવે ‘ઢ’ને છંછેડતા નહીં.

તેના દેહ ઉપર દમન થતાં–

ઘાયલ થયેલો ‘ઢ’ રઘવાયો થયો છે!

હત્યારાઓને ડંખવા,

કાળોતર નાગે ફેણ ધારણ કરી છે.

ઝેર ઓકવાની તૈયારીમાં છે!!!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010