
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી.
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા ટણકને ટેરવે,
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં,
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં,
માંચડે ફાંસી તણે ચડતાં કપાતાં ખંજરે
એ વિના જે હરફ હોઠે કાઢતાંયે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરામાંય ફિસિયારી કરે,
નવા રાજાને કહે વાજાં વગાડીને, જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હુડિયો,
ને છતાં એ કોઈ બીજાને પછી સત્કારવા
એ જ નેજા! એ જ વાજાં! એ જ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરાજનો પોઢ્યા હજી છે પારણે
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાના પ્રાણ પરવારી ગયાં -
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
(અનુ. મકરંદ દવે)



સ્રોત
- પુસ્તક : કોઈ ઘટમાં ગહેકે ઘેરું-૨ (પૃષ્ઠ ક્રમાંક 223)