daulatabad - Free-verse | RekhtaGujarati

એક સાંજે

મારા પછીની રાત દેખાતી હતી

ડૉક્ટરના બંને ચહેરા પર એક ભય હતો

કદાચ સ્ટેથોસ્કોપ શાંત થઈ જાય

જીવનનું પાણી ગિરફ્તાર થઈ રહ્યું હતું.

મૌતના બંધાતા બર્ફની પકડમાં

બે-સરોસામાન

સાંજની અંધારી મુસાફરી

દૌલતાબાદ, દૌલતાબાદ!

પણ

મૌત ચાલ્યું ગયું દિલ્લગી કરીને

ફરીથી પાણી તૂટ્યું

ગળામાંથી સોજો ઊતર્યો હતો

હવે બગાસું ખાઈ શકાતું હતું.

આંખોમાં તરતો તડકો

વધેલી દાઢી, લુખ્ખા વાળ

સફેદીની ફૂટેલી નવી ટશરો

શરીરની અંદરથી આવતો હાડપિંજરનો ખડખડાટ-

ઝિન્દગી! ઝિન્દગી!

લહેરદાર ખડખડાટ

બુલન્દ ખડખડાટ

માણસની જાનનો ખડખડાટ

ફરીથી સાંજો, ફરીથી રાતો, રાતની વાતો

ફરીથી ગુસ્સો, રોટી-રોટી, સ્ત્રીની પ્યાસ

ક્રિકેટ-સ્કોર, સીક-લીવ, ઈદ-મુબારક, જનતા-પાર્ટી

સલાદમાં નિમક ઓછું પડવાનો ઝઘડો-

ફરીથી કંટાળો

ઈન્શાઅલ્લાહ, ઈન્શાઅલ્લાહ!

પહેલો મુલાયમ તડકો પૃથ્વીને ફોકસમાં ગોઠવી રહ્યો છે

દરિયો ચાલ્યો ગયો છે ક્ષિતિજની દિશામાં, સુંવાળા પથ્થરો મૂકીને

આંબલી ખરેલાં પત્તાંની બિછાત પર દૂધવાળાની સાઇકલનાં નિશાન છે

ગીચ વૃક્ષો એકબીજોને પડછાયામાં દબાવતાં આલિંગન કરી રહ્યાં છે

પતંગિયું આંબાની ઘટામાં ઊડાઊડ કરી રહ્યું છે, અથડાયા વિના

અબીલ-ગુલાલનાં ફૂલો ગુલાબની જેમ ખીલ્યાં છે, ગુલાબની અશ્લીલતા વિના

દરોમાંથી નીકળેલાં લાલ મખમલી જંતુ પાંદડાં કોતરી રહ્યાં છે,

પક્ષીની ચાંચના ડર વિના

ચશ્માંના કાચ સાફ કરી લે, યાર!

હજી દૌલતાબાદ દૂર છે!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1978 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ