liti - Free-verse | RekhtaGujarati

એને તો બસ

સરખી એક લીટી દોરવી હતી

કંઈ વિષુવવૃત્ત દોરવું નહોતું

કે દોરવા નહોતા રેખાંશ કે અક્ષાંક્ષ

કે ઝૂંપડી ફરતે યુગયુગો પછી પણ ટકે એવી ધૂળમાં દોરાયેલી અભેદ્ય આણ

કે સુ કે કુ દર્શન કરાવતા ચક્રની ધાર

કે ટંકારદાર ધનુષની પણછ

કે મોનાનું લીસ્સું લપસણું સ્મિત

કે પાતળી પરમાર્યની કેડ ફરતે ફરતો કંદોરો

કે કરિયાણાવાળા વાણિયાની વહીમાં રોજેરોજની આણપાણ

એને તો બસ

કેટકેટલું બધાએ કહ્યું એને

કહ્યું એને કે ખળખળતા ઝરણ પર વહનભર દોર તરલ લીટી

કે વન ઉપવનમાં સુમનથી સુમન લીટી સુવાસિત

કે પરભાતે ભલીભાતે ડાળડાળ વચવચાળ લીટી કલશોરી

કે પીંજેલા કાળા રૂના ઢગલા જેવા વાદળો વચવચે ઝબૂકતી લીટી

કે લપકતી અગનજ્વાળાઓની ટોચને ટોચ સાથે સાંકળતી લીટી કેસરિયાળ

કંઈક લીટી દોરી હતી એણે આમ તો

તેમ પણ

એવી પણ

તેવી પણ

જેવી પણ

કેવી પણ

પણ જોતાં આંખ ઠરે ?

પણ વળે કાળજે ટાઢક?

પણ થાય બત્રીસે કોઠે દીવા?

પણ આવે દોર્યાનો ઓડકાર?

પણ પ્રથમ બિંદુથી માંડીને તે અંતિમ બિંદુ સુધી

પહોંચી પહોંચી પહોંચતાં પૂરો થઈ જાય આજનમ કોડ?

એને તો બસ

સરખી એક લીટી દોરવી છે

સ્રોત

  • પુસ્તક : સમીપે - જાન્યુઆરી-માર્ચ 2012 (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન