koDi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પીળાશ પડતી સફેદ, ચકચકતી

કીકીના ઊભાર જેવી

એક કોડી

મારી હથેળીમાં પડીં છે.

હથેળીમાંની કોઈક રેખા સાથે

તાલ મેળવતી એની કરવતી તિરાડમાં

દરિયાનું પાણી—ભીનું અંધારું દેખાય છે.

આમ તો હાથ વિનાની

કાંડાથી વિખૂટી પડેલી

દરિયાની સાવ નાની એવી

મુષ્ટિકા જેવી લાગે છે.

હું મુઠ્ઠી વાળું છું તો

મુઠ્ઠીમાં મુઠ્ઠી

—પોતાનામાં ગોળાઈ ગયેલી

અકબંધ.

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988