dar biji auktobre mane sapanun aawe chhe - Free-verse | RekhtaGujarati

દર બીજી ઑક્ટોબરે મને સપનું આવે છે

dar biji auktobre mane sapanun aawe chhe

પન્ના નાયક પન્ના નાયક
દર બીજી ઑક્ટોબરે મને સપનું આવે છે
પન્ના નાયક

‘તમે ગાંધીજીને જોયા હતા?’ હું હા પાડું

અને મને બીજો સવાલ કરે : ‘ક્યાં? ક્યારે?’

હું કહું : નાની હતી ત્યારે

બાપાજી રોજ સાંજે અમને

જુહુના દરિયાકિનારે આવેલા

અમારા ઘર પાસે થતી

ગાંધીજીની પ્રાર્થનાસભામાં

લઈ જતા. અમે વહેલા જઈ આગળ બેસતાં. ગાંધીજી સમય સાથે સ્પર્ધા કરતા હોય

એમ દોડતા આવતા અને પાછળ પગ રાખીને બેસતા. હું ટમટમતા તારાઓનું ઝૂમખું જોતી હોઉં

એમ એમને જોયા કરતી.

એમના ચહેરા પર

બુદ્ધની આભા

આંખોમાં

ઈશુની કરુણા. હમણાં મહાવીરને મળીને આવ્યા હોય! અને પછી શરૂ થતું : ‘વૈષ્ણવજન તો તેને કહીએ..’

પછી બાપાજી ગાંધીવાદી બન્યા, જેલમાં ગયા. ખાદીનાં કપડાં પહેરે

પણ બે જોડી જ. ભોજન પણ એક કે બે કોળિયા લે.

પછી તો બા બાપાવાદી બન્યાં

અને અમે બાવાદી. અમારા વૈષ્ણવના ઘરમાં

બધાં ગાંધીજન બની ગયાં.

આજે આટલાં વરસો પછી પણ

દર બીજી ઑક્ટોબરે

ગાંધીજી મારા સપનામાં આવે છે

ને મને પૂછે છે : ‘પ્રાર્થનાસભામાં આવીશને?’

અને

હું ગાવા માંડતી હોઉં છું : ‘વૈષ્ણવજન તો તેને કહીએ.’

બીજા દિવસે સવારે

ચા પીતાં

મારા પતિ મને પૂછે છે : ‘તને ખબર છે? તું ઊંઘમાં વૈષ્ણવજન જેવું કંઈક ગાતી હતી એ?’

સ્રોત

  • પુસ્તક : અંતિમે (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2004