dam - Free-verse | RekhtaGujarati

રહ્યાસહ્યા યૌવનને ચણતા

પંખીની પાંખોમાં

ધીમી હાંફ.

શ્વાસના રસ્તા રોકી

હુક્કાના અંગારા પરની રાખ

તાગતી પાંસળિયું—પાતાળ.

ઓટલે

કરચલીએ વીંટેલ ગાંસડી મૂકી

ઝૂકા ભીંત અઢેલી

બેઠેલા આકાર તણી

મીંચેલ આંખ પછવાડે

જાગે યાદ—

વીતેલું હંફાવે વેરાન.

મોતનાં દમિયલ પગલાં

ભીંત ઉપર પડઘાય,

નેજવે હોલું મૂંગું થાય!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ