mari jat - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું મારી જાત

જાણવા ઇચ્છે છે?

તો સાંભળ મારા ભેરુ:

કેટલાયે મને પૂછ્યો છે પ્રશ્ન :

‘કુણ છો, ભાઈ?’

એમ તો તને યે પુછાતો હશે

પ્રશ્ન?

(આપણે સાથે ફરીએ છીએ એટલેસ્તો!)

પણ ભાઈ, પૂછવા પૂછવામાંય

ફેર તો ખરો ને!

તો સાંભળ મારી જાત:

તારી જાત મારી જાત

તારો બાપ મારો બાપ

તારી મા મારી મા

તારું લોહી મારું લોહી

તને ભોંકાય એમ મને કાંટા ભોંકાય,

પણ તું પાડી ઊઠે રાડ્યું

ને હું ફટાક દઈને કાઢી આપું

તને કાંટો

એમ હું તારા કાંટા કાઢતો રહ્યો

પણ મને ભોંકાતા રહ્યા

કાંટા અંગે અંગમાં

છેદાઈ ગયું મારું રોમે રોમ

થીજી ગયું રક્ત

ગંધાવા લાગ્યો મારો દેહ

બદલાવા લાગ્યો મારો રંગ

પગમાં ખૂંચતા કાંટાની

રજ બની ને

વિખરાઈ ગયો.

કહેવાય છે કે વર્ષો પહેલાં

શાસ્ત્રી મહારાજે

આપ્યું મને નામ :

એમની કૃપાદૃષ્ટિએ

(ભલું થજો એમનું)

ઇતિહાસને પાને લખાયું

અઢી અક્ષરને ફાડવા મથ્યા કંઈ સંત :

કબીરે ગાયો બે પંક્તિનો

મંત્ર : તેજ લીટો

“પોથી પઢિ પઢિ જગ મુઆ

પંડિત હુઆ કોઈ

‘ઢાઈ અચ્છર પ્રેમકા”

પઢૈ સો પંડિત હોય

તોયે

‘ઢાઈ અચ્છર પ્રેમ’

ફાડી શક્યો

અઢી અક્ષરને

પંડિતની પોથીમાંથી.

મહાત્મા ગાંધીએ કર્યા અક્ષર ચાર

નરસિંહ મહેતાને ચાર અક્ષર

સાથે હતો બડો પ્યાર

અડી અક્ષરની કિંમત ચૂકવી

‘નર-સિંહ’-‘હરિ-જન’ થયો

ન્યાત બહાર

અઢી અક્ષરની કિંમત ચૂકવી

છે મેં પણ

મને પણ અક્ષર પાડતા આવડ્યું હોત–

(મારે અક્ષર નો’તો પાડવો–

એમતો કેમ કહેવાય!)

–પણ નો’તો સ-અક્ષર થવાનો!

અધિકાર

‘સિર સલામત હોત તો

પહેરી શક્યો હોત–

‘પઘડિયાં બહોત’

અંગૂઠો પણ ક્યાં

હતો સલામત

શંભુએ માથે ફેરવ્યો શું હાથ!

આદિવાસી–છેડાવાસીએ–

ધરી ગીધાં અંગૂઠા-મસ્તક–

આચાર્ય-રામને હાથ

એમને હતો સમયનો સાથ

સત્તાનો સાથ–શક્તિનો સાથ

પોથીમાંના અક્ષરોનો સાથ

અમે બની રહ્યા અનાથ

શું કરે દીનાનાથ

પિંજરે પુરાયો હતો ભગવન્

હાડપિંજરે અમે હતા અકબંધ

કેવી રીતે છૂટે હૃદયના બંધ?

તોયે છૂટ્યા અક્ષર

માર્ક્સ -ગાંધી તણા

ને એમ કેટલાયે અક્ષર

એમની હતી એક જાત

એટલે કોઈ ફાવી શક્યો કજાત

પછી ઊગ્યું રક્તરંજિત પ્રભાત

પુછાતી ગઈ જાત

પછે ચાલ્યું ચૂંટણીનું ચક્ર

ઊભી થઈ વાડ

માતેલા સાંઢનો થયો જય જયકાર

વહ્યો સમયનો ગાળો

ઊપડ્યો નાત-જાતનો રોગચાળો

પણ ભેરુ હવે રહે લગાર

માટે થઈ રહ્યો ઉપચાર

મારી તારી એક જાત

આપણે આદમની ઓલાદ

ખભે ખભા મેળવીએને

લઈએ ઉષ્માનો આસ્વાદ

પછી કોઈ પૂછે સવાલ:

તમે કુણ છો

કબીરના મંત્રનો કરીએ પુનરુચ્ચાર :

જાતિ-પાંતિ પૂછો સાધુકી કોઈ

હરિ કો ભજે સો હરિ કા હોઈ.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981