hwe hun choop nahin rahun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવે હું ચૂપ નહીં રહું

hwe hun choop nahin rahun

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
હવે હું ચૂપ નહીં રહું
કરસનદાસ લુહાર

મારા સળગતા શબ્દોને

મીસાના મીંઢા મૌન તળે ઢબૂરી દો!

મારા ઊદ્દીપ્ત શ્વાસોને

ગૂંગળાતા, ગંધાતી કાળી કોટડીઓમાં પૂરી દો!

વિદ્રોહથી ધબકતી મારી જુવાન છાતીને

ગોળીઓથી ત્રોફી નાંખો!

મારી આંખોમાં ધગધગતા સળિયા ભોંકી

મારી સ્વપ્નિલ સૃષ્ટિ લોપી નાખો!

મારા રક્તમાં ઝબોળાતી

મારી કલમને તોડી નાખો, ફોડી નાંખો!

મને તોપને મોઢે બાંધો

ને ઉડાવી દો મારા ટુકડે-ટુકડા, કૂરચે કૂરચા!

પણ યાદ રાખજો,

ફૂરચામાંથી, કરચોમાંથી

હું ફરી જાગીશ,

પાછો નીકળી પડીશ બમણા વેગથી

હાથમાં નવનિર્માણનો નકશો લઈને

અંધારાં ઊલેચતો ઊલેચતો,

ખોવાયેલા સૂરજને ખોળવા ચાંદાને ઢૂંઢવા.

મને ખબર છે,

સૂરજને તો જડી દીધો છે તમે

તમારા વાતાનુકૂલિત આવાસોની ભીંતો પર,

અને ચંદ્રનો અર્થ

તમારા વિલાસી શયનખંડોમાં

તમારી પ્રિયાના ચહેરા પૂરતો રહ્યો છે.

આજ પર્યંત

અજવાસની વાતો કરીને

અંધકારને ઘૂંટ્યા કર્યો છે તમે.

હળાહળોના જામ પકડાવી અન્યને

તમે તો અમૃતના ઓડકાર ખાધા છે.

સુમન-શય્યા પર

મુલાયમ જિસ્મોને માણતાં માણતાં

તમે બંદૂકની ગોળીઓની બારિશથી

અહીં રેગિસ્તાનો વિસ્તાર્યાં છે, વધાર્યાં છે.

સૌને ઊંઘતા રાખીને,

સદાય ઊંઘતા રહે

એવી તરકીબો રચીને

તમે તો

બળબળતા ધોમ તડકેય માણી છે

ફક્ત રાતની રંગીનતાઓ.

...પણ

હવે ધારણો ઊતરી રહ્યાં છે,

લાલ આંખોમાં

એક ધેનિલ સવાર અંગડાઈ લેતું

જાતી રહ્યું છે, જાતી ગયું છે.

હવે હું ચૂપ નહિ રહું,

નહિ રહું,

નહિ રહું...

ભલે મને તોપને નાળચે બાંધો!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981