anandni kawita - Free-verse | RekhtaGujarati

આનંદની કવિતા

anandni kawita

યશવંત વાઘેલા યશવંત વાઘેલા
આનંદની કવિતા
યશવંત વાઘેલા

છંદમાં નહીં કવિતા કરું હું

છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.

મને તો સગી આંખે બધું સંભળાય છે.

લયમાં પણ નહીં કવિતા કરું હું

મારી પાસે તો

પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારાં દુઃખોનો,

એટલે

મારે તો કંડારવી છે,

તારા અવમૂલ્યનની-વિલયની કથા.

ક્યાં છે સમાનતા?

તે બેસાડું હું પ્રાસ શબ્દનો!

અને સુખનો અનુપ્રાસ હજી વાંઝિયો છે.

રૂપ અને આકારની

રચના અને આકારની

રચના અને સંરચનાની

વ્યભિચારી ચર્ચામાં મન રસ નથી.

કારણ કે પેટ ખાલી છે.

મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.

લાગે છે

હું માણસ થઈ જઈશ

તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.

પછી મારે લખવી છે,

છેવાડાના માણસની આનંદની કવિતા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010