dada, ghumar manDiye - Free-verse | RekhtaGujarati

દાદા, ઘૂમર માંડીએ

dada, ghumar manDiye

કાનજી પટેલ કાનજી પટેલ
દાદા, ઘૂમર માંડીએ
કાનજી પટેલ

અંધારામાં દાદો જાગ્યો

પહેલા દાદાએ વડ લીધો

ને એમાંથી સૂરજ બનાવ્યો

પછી બીજા અંધારામાં

મહુડો લીધો

એનો ચાંદો કર્યો

બીજાં ઝાડવાં બધાંથી તારા કર્યાં

દાદો રોજ સવાર થાય કે

સૂરજને આકાશે ગોઠવે

રાત પડે કે

ચાંદાને ને તારાને ગોઠવે

ગોઠવતાં ગોઠવતાંમાં દિવસ ઊગી જાય

રોજ આકાશે ચઢી

સૂરજ ચાંદો ને તારા જબરા વાકમ થઈ ગયા

એક સમાજોગમાં દાદો ઊડી ગયો

સૂરજ ચાંદો ને તારા

એકલા ફીક્કા

આકાશે ચઢતા રહ્યા

દનને રાતવરત વારા ફરતી

વળી સમાજોગના મહાજોગમાં

નવો દાદો આવ્યો

ચારે કોર અંધારું

શું કરવું હવે?

એણે વહુ-દીકરાને સાદ કર્યો

છેક ઊંડા જંગલમાં હતાં

સાદનાં તણાયાં ચાલ્યાં

ઊંચકાતાં ગયાં ઊંચે ને ઊંચે

એક થયું ચાંદો ને બીજું સૂરજ

આકાશેથી રાતવરત

ચેકાવેલી કરી છોકરાં એક એક

ઊતરતાં ગયાં ધરતી પર

દાદો તો ઢોયણીમાં આડો પડેલો

છોકરાંએ ઢોયણી ફરતી ઘૂમર માંડી

દાદો ધૂમ્યો

થાકી ઊંઘ્યો

કહું તો જાગે

ધરતી પર જળબૂડ થયું

કે દાદો ઢોયણી સોત જળ પર તરવા લાગ્યો

પાછું અંધારું થયું ને છોકરાં રોવા લાગ્યાં

દાદા, વડ લાવો

દાદા, મહુડો લાવો

દાદા, આપણે ઘૂમર માંડીએ

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015