Chuvak - Free-verse | RekhtaGujarati

દિવસોમાં

ગામ આખાનાં વાદળાં

ઘેરાઈને આવતાં અમારા ઘર ઉપર.

કઠ્ઠણિયા પહાણાની શિલાઓ ફાટે

તેમ ફાટી પડતાં મધરાતે કડડડડ

અમારા ઘરનું છાપરું ચાળણી થઈ જતું.

થરથરતું એકાદું ટીપુંય જો ખુલ્લા ડિલે પડે

તો

હાડસોંસરું નીકળી જાય કંપાવતું

એવા હડહડતા ચૂવાક થતા

અમે ઊંઘમાં હોઈએ

અને

ઊંડે ઊંડેથી આંખના બે દીવા જાગતા હોય

બે કરચલિયાળા હાથ

તપેલાં, વાડકા, છાલિયાં,

અરે! આખાય ઘરનાં ઠામવાસણ મૂકતા ફરે

ચૂવાક નીચે.

સાવ રૂના પૂંભડા જેવા હતા અમે

રાત આખી ઢબૂરીને રાખે અમને

જાગતા રહે

ચૂવાકે ચૂવાકે ઠામ બદલતા રહે

પેલા બે કરચલિયાળા હૂંફાળા હાથ.

આજે

માથે સ્લેબ ભરેલા

પૂરેપૂરા વેધરપ્રૂફ, પાકા મકાનમાં રહીએ છીએ અમે

અને

દેખીતા તો ક્યાંયથી નથી થતા ચૂવાક

પણ

પેલા બે કરચલિયાળા હાથ

હાંફળાફાંફળા ફર્યા કરે છે છાલિયું લઈ લઈને

અધરાતે મધરાતે

જાગ્યા કરે છે ઊંડે ઊંડેથી આંખના બે દીવા

થાકી ગયેલા.

થાય છે

લાવ, છાલિયું લઈ લઉં તેમની પાસેથી

ને કહું કે

હવેથી હું જાગીશ

તમે પોઢો ઘડીક નિરાંતે...

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
  • વર્ષ : 2023