chitkaar - Free-verse | RekhtaGujarati

ગીત ગાવા

માંડી હતી મીટ વસંત પર.

વસંત આવી

અને કહી ગઈ :

હવે ગીત ગાવાની મનાઈ છે!

ફૂલો સ્તબ્ધ બની વિચારી રહ્યાં :

અમે કોઈ ડાળ પર છીએ,

કોઈના હાથમાં ચૂંટાઈ ચૂક્યાં છીએ

કે

કોઈ વજનદાર બૂટની એડી તળે

હમણાં ચગદાવાની અણી પર છીએ?

હવાની એક લહરી આવી :

તેને રોકી પૂછે છે બીજી લહરી :

બાગમાં લહેરાતા પહેલાં

કોઈની આજ્ઞા લેવાની જરૂર તો નથીને?

સૌએ કહ્યું :

પવન પડી ગયો.

પંખીઓ પોતાને કંઠ હતો

વાત

બચ્ચાંને કહી રહ્યાં છે

અને સમજાવે છે :

કદીક ખપ પડે,

તો ટહુકો કરી શકાય.

ટહુકો?

કોઈ દંતકથા સાંભળતાં હોય

એમ પંખી–બાળ ચિત્કારીને પૂછે છે :

કેમ કરી શકાય ટહુકો?

ટહુકો નીકળતો નથી કંઠમાંથી,

પારધીના નિશાન લેતા તીર પર

નજર છે, તેથીસ્તો.

ના ક્યાં કહેવી હતી?

છતાં ‘હા’ કહેવાની ફરજ પડાય

ત્યારે કાં અવાક થઈ જવાય છે

કાં ઉચ્ચારાઈ જાય છે

‘ના’, ‘ના’, ‘ના’

જાતે દુઃખી થવાની છૂટ હોય

તો બીજાએ આપેલું સુખ કેમ કરી સ્વીકારાય?

શોકસભા તો નથી :

છતાં તાળીઓ કાં પડતી નથી?

બે હાથને મળતા અટકાવતી

અદૃશ્ય જંજિર કોણે બાંધી દીધી છે

આપણા હાથ ઉપર?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ