janun chhun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાણું છું

janun chhun

વિપિન પરીખ વિપિન પરીખ
જાણું છું
વિપિન પરીખ

રવિવારનું છાપું હાથમાં આવે કે તરત પહેલાં જોઈ લઉં છું :

ધનુરાશિ માટે આવતું સપ્તાહ શું શું લાવે છે.

જાણું છું, થોડાક વારોનાં નામની આમતેમ ફેરબદલી હશે!

ગયા અઠવાડિયે ગુરુ તો અઠવાડિયે શુક્રવાર શુભ હશે.

“તા. 19મીએ અચાનક ધનલાભનો યોગ સારો છે.”

છેલ્લાં ત્રણ વરસથી વાંચી વાંચીને લૉટરી લેતો આવ્યો છું.

આપેલી તારીખોમાંથી એકે ફળી નથી.

છતાં એકાદ chance એવી પણ જાય!

કહે છે : કોઈ મધુર સમાગમનો અઠવાડિયે યોગ છે.

હસવું આવે છે–

બે છોકરાંનો બાપ અને માથે ટાલ,

અને હવે આકર્ષણ–પરિચય

તોપણ સારું લાગે છે.

થોડાંક સ્વપ્નો....જુઠ્ઠાં હોય તોપણ

લખે છે : “તમારા ઉપર ઘેરાયેલાં વાદળ વીખરાતાં જશે.”

જાણું છું :

આકાશમાં કોઈ પણ વાદળ હંમેશ માટે ક્યારેય ટકતું નથી.

છતાં જુઠ્ઠાં વાક્યોનો વરતારો પણ થોડોક આધાર તો આપે છે!

શનિવારની સાંજે અઠવાડિયાનું સરવૈયું કાઢતાં ક્રોધથી બોલી પડાય છે :

‘સાલાઓ તદ્દન જુઠ્ઠા છે....એક શબ્દ પણ સાચો પડતો નથી!’

છતાં

આવતા રવિવારે વ્હેલી સવારે મારી નજર સૌ પ્રથમ

પાના ઉપર બિલાડીની જેમ તૂટી પડશે–

પણ જાણું છું!

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980