chhokraao kantaalii jataa hoy chhe baapthii - Free-verse | RekhtaGujarati

છોકરાઓ કંટાળી જતા હોય છે બાપથી

chhokraao kantaalii jataa hoy chhe baapthii

વર્જેશ ઈશ્વરલાલ સોલંકી વર્જેશ ઈશ્વરલાલ સોલંકી
છોકરાઓ કંટાળી જતા હોય છે બાપથી
વર્જેશ ઈશ્વરલાલ સોલંકી

આપણી આંગળી છોડીને સ્વતંત્રપણે ચાલી જુએ છે

આપણે ગમે તેટલું ડારીએ તોય

રસ્તા પર વેગભેર ચલાવી જાય છે સાઇકલ

હવે તે ખાતા નથી ભીંતના પોપડા

માત્ર બીજાનું જોઈને કોઈનેય મસળી આપે છે તમાકુ

અથવા તો પોતાના માટે પણ

હમણાંના તે આપણા ખભા સુધી આવે છે

આપણાં દાઢી-મૂછ પાકી જતાં અને ટાલ પડતાં

એમને ફૂટતા હોય છે વાળના દોરા

ગાયબ થઈ જાય છે આપણી દાઢીનો સામાન

ઘરની રદ્દી વેચાઈ જતી હોય છે અથવા

આપણા પાકીટમાંથી એકાદ નોટ ગાયબ થઈ જાય છે

આવું કંઈનું કંઈ કરી નાખતા તે ઘેરબેઠા કંટાળતા હોય છે

એમને જોઈતું હોય છે પોતાનું મેદાન

આપણે આંકી દીધેલું ક્ષેત્રફળ એમને માન્ય નથી હોતું

કાન પર, કપાળ પર ઝૂલી આવે છે લટ

નખમાં વધતી રહે છે આક્રમકતા

ડોળાની કોર વાતે-વાતે લાલ થતી રહે છે

ચકલીઓ ક્યારનીય એમના દૂધિયા દાંત લઈ ગઈ હોય છે

નેટ પરની બધી સેક્સી સાઇટનું તે સર્ફિંગ કરી ચૂક્યા હોય છે

સિનેમાનાં બધાં ગીત એમને મોઢે હોય છે

હીરોહીરોઇનના સંવાદ, વિલનની કિકિયારીઓ

એમને ઊંઘમાં પણ યાદ હોય છે

આપણો જનરેશન અને કમ્યુનિકેશન ગૅપ વધતો ચાલે છે

એમને ફુગ્ગા અને નિરોધ વચ્ચેનો ભેદ કળાતો હોય છે

એઇડ્સની જાહેરાતોના ગૂઢાર્થો

આપણી અગાઉ જાણી ચૂક્યા હોય છે

એમની દૃષ્ટિએ આપણે ખૂબ ગયાગુર્જ્યા હોઈએ છીએ

એમના મોંમાંથી આવતી મેન્થોલની વાસ

એમણે છૂપી રીતે પીધેલી સિગરેટની ચાડી ખાય છે

આપણે સમજી લેવું જોઈએ કે

એમને રાષ્ટ્રગીત યાદ નથી રહેતું, બંધારણની કલમો યાદ નથી રહેતી

દેશના વડાપ્રધાન કોણ છે તે એમને જાણવું નથી હોતું

મતદાનને દિવસે ટીવી પર પિક્ચર જોવું વધુ પસંદ કરે છે

આપણો સ્વભાવ એમને ખૂબ ડરપોક લાગે છે.

એમને એક દિવસમાં લાખના બાર લાખ કરવા હોય છે

કૉપી કરીને પાસ થવાના અનુભવની ઉત્તેજના

એમને જોઈતી હોય છે

આપણે વચ્ચે એમને સમજાવવા જઈએ છીએ

પણ ફરી ગાંડામાં ખપી જવાની બીકે પરસેવે રેબઝેબ થઈએ છીએ

આપણે એની સાથે ડરતાં-ડરતાં વર્તીએ કે બોલીએ છીએ

તે આપણા બાપ છે કે દીકરા

એવી વિચિત્ર શક્યતા પણ આપણને મૂંઝવે છે

છોકરાઓ થકવી નાખે છે આપણને

આપણા ખભે બેસીને જોયેલા જગત સાથે

મોઢામોઢ કરાવી દે છે

ગાલ પર તમાચો પડતો હોય એમ

છોકરાઓ કંટાળી જતા હોય છે બાપથી.

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023