chhelii benchno a chhokroo - Free-verse | RekhtaGujarati

છેલ્લી બેંચનો એ છોકરો

chhelii benchno a chhokroo

પન્ના ત્રિવેદી પન્ના ત્રિવેદી
છેલ્લી બેંચનો એ છોકરો
પન્ના ત્રિવેદી

યુગદ્રષ્ટાઓ

યુગોની પાર જોનાર ક્યાં છો તમે?

પ્રલય અને નિર્માણ

જેમના ખોળામાં ઊછરે છે

તે અસાધારણ ગુરુજનો માટે ઝટ વૈદ્ય બોલાવો

કહેજો

તેમની નિસ્તેજ આંખો

વર્ગખંડની છેલ્લી બેંચ લગી લંબાઈ શકતી નથી

જેમ પહેલી હરોળ સુધી કદી લંબાઈ શક્યા

છેલ્લી બેંચ પર બેસનાર છોકરાના પગ...

વર્ગખંડમાં

‘બીજું વિશ્વયુદ્ધ’ ચાલી રહ્યું હતું ત્યારે

છેલ્લી બેંચનો છોકરો

નોટબુકના છેલ્લા પાને કબૂતર ચીતરતો હતો

આખો વર્ગ જેને ‘ડબ્બા’ની ઓળખ પહેરાવતો હતો

ત્યારે તે છેલ્લા પાનાના હાંસિયાના એક ખૂણે

ગાંધીનાં ચશ્માં અને લાકડી દોરી રહ્યો હતો

નદીઓ પર બંધ અને તેના ફાયદા ચર્ચાતા હતા ત્યારે

સુકાઈ ગયેલા જળાશય વિશે જોડકણાં બનાવતો હતો

કપાતાં જંગલો, નગ્ન થતાં જતાં વૃક્ષોની વાતો વખતે

અચાનક ઊભો થઈને અડબંગ

ઝાડ વાવી આવતો, બી વીણી લાવતો

અને છોકરાઓને પ્રસાદની જેમ વહેંચતો હતો

આંખ સામે અદૃશ્ય થઈ ગયેલો છોકરો

વર્ગખંડનાં જંગલમાં બેસીને આગિયા શોધતો હતો

સામંતશાહીની શોષણનીતિની ચર્ચા દરમિયાન

બગીચામાં દોડી જઈને

વંટોળથી થથરતાં ફૂલો પર પોતાનો હાથ ધરી રાખતો હતો

અને

નાલંદા વિદ્યાપીઠ પર થયેલા આક્રમણ વખતે

છેલ્લી બેંચનો તે મૂરખ છોકરો

નોટબુકના પહેલા પાને

એક બોધિવૃક્ષ દોરી રહ્યો હતો...

યુગદ્રષ્ટાઓ

યુગોની પાર જોનારા ક્યાં છો તમે?

(નવનીત સમર્પણ)

સ્રોત

  • પુસ્તક : મોઝાર (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : પન્ના ત્રિવેદી
  • પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2023