chhatan, tame kawita lakhsho - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છતાં, તમે કવિતા લખશો

chhatan, tame kawita lakhsho

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
છતાં, તમે કવિતા લખશો
પવનકુમાર જૈન

હિંમત હોય તો

છડેચોક લોકો સામે

ઊભા રહી

અંગ પરનું

એકેએક કપડું

ઉતારી નાખો.

કોઈ મશ્કરી કરે,

ગાળો દે,

ઉપદેશ આપે,

કે માર મારીને

ખોખરા કરી નાખે,

કદાચ.

પછીય હિંમત ને

હોશકોશ બચ્યાં હોય,

તો, ચોખ્ખા અવાજે

કહી દો સહુને :

‘આ તો શરૂઆત છે.’

ને પછી ઊતરડી ફેંકો

ડિલ ઉપરની ચામડી.

ત્યારે એવું બને,

કે લોકો તમને

પાગલખાનામાં દાખલ

કરાવે અથવા

આપઘાતના ગુના સબબ

જેલમાં પુરાવે.

એટલા પછીય હિંમત ને

સૂધમૂધ અકબંધ

હોય તો કહો :

‘ખરું કરવાનું તો

હવે આવે છે.

જાતને નાગી કરવાની છે.

ઉઘાડી પાડવાની છે.

‘કબૂલવાનું છે કે

કુંવારી કે પરણેલી,

પોતાની કે પારકી,

સંભ્રાંત કે ધંધાદારી,

જે મળી,

તેની સાથે મનોમન

ને મળી તેની સાથે

તનોતન, વિલાસ કર્યો છે.

‘પારકાનું સારું જોઈ દાઝ્યો

પણ મોઢે કહ્યું, કે

પારકાનું સુખ જોઈ

આંખ ઠરે છે.

‘મા-બાપ, ભાઈ-બહેનોને

હાંકી કાઢ્યા ને

રહેવાના ઘર પર

કબજો જમાવ્યો.

‘ભાગીદારનું સહિયારું

હતું એને

સાવ પોતીકું કર્યું.

‘અને એવું તો

કંઈ કેટલુંય.’

ના, ના આમાં પાપો

કબૂલવાની વાત નથી.

વાત કેવળ

તમે જે છો,

તે કબૂલવાની છે.

પરંતુ આમાંનું કશુંય

કરવાની તમારી

હિંમત ચાલે

તેમ નથી.

છતાં, તમે કવિતા લખશો.

શું કામ, ભલા ભાઈ?

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012