રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
ચન્દ્રાનુભવ
chandranubhav
હર્ષદ ત્રિવેદી
Harshad Trivedi
અહીં સૂતાં સૂતાં જ
દેખાય છે ચન્દ્ર.
એટલો નજીક
કે હાથ લંબાવવાની ય જરૂર નહીં!
સહેજ સરકીને
છાતી સુધી લઈ આવું એને.
એકદમ હળવો સુકોમળ સ્પર્શ
જગાડે એક પછી એક નક્ષત્રને.
સપ્તર્ષિની સાક્ષીએ
બજી ઊઠે કૃત્તિકાનું ઝાંઝર.
ઇન્દ્રિયોના ઉત્સવે
સમૂહગાન કરે તારકવૃંદ.
રોમાવલિમાં ફરી વળે
મીઠી-મૃદુલ ચાંદની.
આવી મળે સફળ બ્રહ્માંડ આશ્લેષમાં.
સહજ વિસ્ફોટની એ પળે
ક્યાંક તારો ખર્યો
ઊડતી રજ પડી ધવલ ચાદર મહીં.
હવે
નજીક જ નહીં,
સર્વ કલંક અને કળાઓ સમેત
આખેઆખો ચન્દ્ર મારા મહીં!
(તારો અવાજ)
સ્રોત
- પુસ્તક : ઝાકળમાં ઘર (પૃષ્ઠ ક્રમાંક 145)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2017