chandrane - Free-verse | RekhtaGujarati

ચંદ્રને

chandrane

સોનલ પરીખ સોનલ પરીખ
ચંદ્રને
સોનલ પરીખ

મને અહીં જોનાર ચંદ્ર!

શું તું ત્યાં તેને પણ જુએ છે?

ભાંગતી રાતના સન્નાટામાં

શું તે પણ

પોપચાં પર બાઝી જતી ઝાકળથી

ચાંદનીનાં સ્વપ્નોને ધૂએ છે?

અંધકારના ગાઢ આલિંગનની કાળી આંચમાં

પીગળે છે જ્યારે મારા વર્ષો જૂના ડૂમા :

શું ત્યારે ત્યાં

તેની પણ આંખ ચૂએ છે?

તારા મૌનમાં સમજદારી છે, ચંદ્ર!

તેં પણ સહ્યો છે

તેની અને મારી પીડાનો એક અંશ

જો ને, વિરહના અનંત રસ્તાઓ જેવા

આકાશમાં ફરતો તું રાતરાતભર

તું પણ ક્યાં સૂએ છે?

ત્યાં તેને જોનાર ચંદ્ર!

શું તું અહીં મને પણ જુએ છે?

સ્રોત

  • પુસ્તક : નિશાન્ત (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : સોનલ પરીખ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2003