ek nawo suraj - Free-verse | RekhtaGujarati

એક નવો સૂરજ...

ek nawo suraj

ભાગ્યેશ જહા ભાગ્યેશ જહા
એક નવો સૂરજ...
ભાગ્યેશ જહા

માઘપૂર્ણિમાની રાત્રિ છે,

સૂસવાટાભર્યા પવનોએ ચાંદનીનો

દરિયો બનાવ્યો છે,

ચાંદનીનાં મોજાં અથડાય છે

એકમેકને, કાંઠાને, કાંડાને,

રાતની નખશિખ ચાંદનીને,

ચાંદની રાત ઠંડીને વધુ

ઠંડી બનાવે છે.

કાયની બારી બંધ છે,

બંધ બારી ઠોડી રોકતી હોવા છતાં

પડદા પણ બંધ છે,

પડદામાં દોરેલી વેલ

અને પુષ્પો અને પાંદડાંને

ખબર નથી કે બહાર

ઠંડા પવનોએ

કાળો કહેર વર્તાવ્યો છે.

ઠંડા પવનો અથડાય છે,

બારીને,

‘ટીવી’ શીતલહરને

દીવાનખાનામાં લાવે છે,

કશી અસર વિના,

હું ટીવી અને પડદાને હડસેલી

બારી ખોલું છું,

માઘના ચંદ્રને પામવા,

ઘૂઘવતી ઠંડીને

એનાં તોફાની મોજાંઓને

મારા મફલરનો સ્પર્શ કરાવવા.

ચંદ્ર

એકલો પડી ગયો છે,

જાણે કોઈ વિરાટ રેફ્રિજરેટરના

ફ્રીઝરનું બારણું ખુલ્લુ રહી ગયું છે,

ઠંડીએ

ખાસ્સી નિર્જનતા છાંટી છે,

કોઈ ફાયરબ્રિગેડના

જવાનની અદાથી.

ચંદ્ર ફ્રીઝરમાં ઠરી ગયેલી

દૂધની કોથળી જેટલો

નિર્દોષ દેખાય છે,

કાળું વાદળ-વચ્ચેથી

પાતળું વાદળ

બિલાડીની જેમ ચંદ્રને

‘પી’ જશે, હમણાં....

અને... પછી,

બિલાડીની આંખમાંથી

ટપકી પડશે,

એક નવો સૂરજ.

સ્રોત

  • પુસ્તક : શબ્દાલય (અંક પ્રથમ) (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન