aDdhi ratno chandr - Free-verse | RekhtaGujarati

અડધી રાતનો ચંદ્ર

aDdhi ratno chandr

મૂકેશ વૈદ્ય મૂકેશ વૈદ્ય
અડધી રાતનો ચંદ્ર
મૂકેશ વૈદ્ય

અડધી રાતનો એકાક્ષી ચંદ્ર

ડોકિયું કરે છે મારા દેહમાં

ને ગળી પડે છે મારાં ગાત્રો.

કંઈ કેટલાય વખતથી

મારી ઊંઘ હરામ કરી

ધોળે દહાડે પણ ચળકી ઊઠ્યો છે

આંખના ડોળે તો ક્યારેક કપાળે ટપકતો.

દૂર ક્ષિતિજ ઉપર ઊભો ઊભો

મને અચૂક બેઠો કરી દે છે અડધી રાત્રે

માથે આવી અદૃશ્ય થશે-નો ભ્રમ પણ ભાંગી ચૂક્યો છે.

ક્ષીણ ઉજાસનું મીણ

બારીમાંથી રેલાતું અંદર બધે બાઝી રહ્યું છે.

બંધ ઓરડામાં એકાકી યાન જેવો

અંધકાર વીંધતો અફળાઉં છું આમથી તેમ.

ને નાની ફાટમાંથી પણ સામે આવી ઊભો રહે છે ચંદ્ર.

હું એને જોઉં કે જોઉં

છિદ્ર છિદ્રમાંથી મને સતત તાકે છે

પગમાં સીસું થઈ રેડાતો.

ભોંયમાં ઊંડે ઉતારતો

ચસતો કે ચસવા દેતો

નિષ્પલક તાકે છે

અડધી રાતનો એકાક્ષી ચંદ્ર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995