Chandani - Free-verse | RekhtaGujarati

આજ રાતે મને ઊંઘ નથી. અનિદ્રાનો રોગ નથી

કોઈ બીક નથી, નબળાઈ નથી. મને ઊંઘ નથી.

તમરાંનાં ગુંજન જેવો વહી આવતો કોલહલ

ક્યારનોય બંધ થઈ ગયો છે, શહેરની ઉપર

તારાઓની સ્વચ્છ છબિ ચમકે છે.

ચંદ્ર નીકળી આવી આકાશની મધ્યમાં ઊભો છે.

તે જાણે કે મારા પૌરુષની પ્રતિચ્છવિ! ધાનનું

સોનેરી ખેતર ચમકે છે. સમજ્યો. સૌ સ્ત્રીઓની જેમ

ધરતી ગર્ભવતી થાય છે. ચાંદનીમાં ઝૂમતી ફસલ

આપતી નથી શું કોઈને ગોપન પ્રેમનું ઇંગિત?

હું એટલી વાત જાણતો નથી, સમજતો નથી.

ચાંદનીને ઘાસમાં સૂઈ જાઉં છું.

સાંભળું છું હરણનો વિહ્વલ પોકાર

ચાંદનીમાં વહી આવે છે.

મેં અનુભવ્યું છે બધી ફસલ સોનેરી ધાન

ટપકી ટ૫કી મધ બનીને

પાછું આવશે

તારી કોમળ છાતીએ.

(અનુ. ભોળાભાઈ પટેલ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ