chaando kyanthii gotvo? yaane jiivno atakchaalo aaetle ke raayji rangana... - Free-verse | RekhtaGujarati

ચાંદો ક્યાંથી ગોતવો? યાને જીવનો અટકચાળો એટલે કે રાયજી રંગાણા...

chaando kyanthii gotvo? yaane jiivno atakchaalo aaetle ke raayji rangana...

અરવિંદ બારોટ અરવિંદ બારોટ
ચાંદો ક્યાંથી ગોતવો? યાને જીવનો અટકચાળો એટલે કે રાયજી રંગાણા...
અરવિંદ બારોટ

તડકાને ટિંગાટોળી કરીને

માંડમાંડ ગામની બહાર મૂકી આવ્યા,

ને તું અહીં ચોક-વચાળે

ચાંદરણાંનો ઢગલો કરીને બેઠો..!

આમાં મારે ચાંદો ક્યાંથી ગોતવો?

તેં તો ભાર્યે કરી, જીવલા!

છાણાંના બાજોઠ માથે ચીંથરાળી છે ગોદડી,

શેરીનાં કૂતરાંને પૂજે ભક્તાણી ગોદાવરી;

પાણીમાંહે કલમ ઝબોળી

શેઠ તલકચંદ લખતો નામું...

એમાં શાને તું વેઢા ગણે, રે જીવલા?

હણહણતી વછેરી જેવી જુવાન છોકરી

બે ચોટલાનો હીંચકો કરી કોઈને ઝુલાવે...

ને ચોરે બેઠેલા રાયજીને

છીંકો ઉપર છીંકો... છીંકો ઉપર છીંકો...

મગનો મેરાઇ ક્યે :

રોગચાળો, રાયજી! રોગચાળો!

નહીં, મગના! રોગચાળો નહીં..!

તો જીવનો અટકચાળો...

બસ, તે દી પેલ્લી ને છેલ્લી વાર

રાયજી રંગાણા...

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ